કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં વર્ષ 2026નું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા અને કૃષિ ક્ષેત્રમાં વિવિધતા લાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને ચંદન, નારિયેળ, કાજુ અને ડેરી ઉદ્યોગ માટે નાણામંત્રીએ મહત્વની જાહેરાતો કરી છે.


આજે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં કેન્દ્રીય બજેટ 2026 રજૂ કરતા સમયે જણાવ્યું હતું કે, સરકાર ડેરી અને પશુપાલન વ્યવસાયને મજબૂત કરવા માગે છે. ઉત્પાદનોની વિવિધતાને વધારવામાં આવી શકે છે. જેનાથી રોજગારના નવા માર્ગો ખુલશે. ચંદન, નારિયેળ અને કાજૂની ખેતીમાં સારી આવક થાય છે. નોર્થ ઈસ્ટ ભારતમાં બદામ અને મગફળીની ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ.

ચંદન અને કાજુની ખેતીને મળશે પ્રોત્સાહન

નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, ચંદન એ ભારતનો સાંસ્કૃતિક અને સામાજિક વારસો છે. ચંદનના જૂના ગૌરવને પરત લાવવા માટે તેના વાવેતર અને સંરક્ષણ માટે ખાસ સ્કીમ લોન્ચ કરવામાં આવશે. આ સાથે જ ભારતને કાજુ અને કોકોના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા અને નિકાસ (Export) વધારવા માટે સરકાર મદદ કરશે. નારિયેળના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં મોખરે છે, અને તેના પર નિર્ભર 3 કરોડ લોકો માટે મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવશે.

ડેરી અને પશુપાલન પર ભાર

સરકાર પશુપાલન અને ડેરી વ્યવસાયને વધુ મજબૂત કરવા માગે છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, પશુધનના વિકાસ માટે નવી વ્યવસ્થાઓ લાગુ કરવામાં આવશે, જેથી ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની નવી તકો ઉભી થશે. ઉત્પાદનોમાં વિવિધતા લાવીને ખેડૂતોની આવક વધારવાનો લક્ષ્યાંક છે.

ખેતીમાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)નો પ્રવેશ

બજેટમાં ટેકનોલોજી પર ભાર મૂકતા જણાવાયું છે કે, હવે ખેતરોમાં ઉપજ વધારવા માટે AI (Artificial Intelligence) નો ઉપયોગ કરવામાં આવશે. આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ખેતી ખર્ચ ઘટશે અને ખેડૂતોની આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે.

નોર્થ ઈસ્ટ અને મગફળીની ખેતી

ભારતના ઉત્તર-પૂર્વી રાજ્યો (North East) માં બદામ અને મગફળીની ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકારે દરખાસ્ત રજૂ કરી છે. આ પગલાથી તે વિસ્તારોના ખેડૂતોને પરંપરાગત ખેતીના બદલે રોકડિયા પાકો તરફ વળવામાં મદદ મળશે.


આ પણ વાંચો - Budget 2026 Live Updates : અર્થવ્યવસ્થાને નંબર 1 બનાવવાનું લક્ષ્ય : નિર્મલા સીતારમણ


  • Follow us on: