પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ મંગળવારે જણાવ્યું કે હાલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલનો પૂરતો પુરવઠો છે અને કોઈપણ એક સ્ત્રોતમાં વિક્ષેપ આવે તો વૈકલ્પિક પુરવઠા માર્ગો પણ ઉપલબ્ધ છે. અહીં એક ઈન્ટરેક્ટિવ સત્રને સંબોધતા પુરીએ જણાવ્યું હતું કે ભારત રિફાઈન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસમાં ઝડપથી વૃદ્ધિ કરી રહ્યું છે અને છેલ્લા નાણાકીય વર્ષમાં 50થી વધુ દેશોમાં $45 બિલિયનથી વધુ મૂલ્યનું રિફાઈન્ડ તેલ નિકાસ કરવામાં આવ્યું હતું.
ભારત 40 દેશ પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદે છે
હાલમાં ભારત તેલ રિફાઈનિંગ ક્ષમતાના સંદર્ભમાં વિશ્વમાં ચોથા ક્રમે છે અને ત્રીજા સ્થાને પહોંચવાનું લક્ષ્ય રાખે છે. પેટ્રોલિયમ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ભારત હાલમાં 40 દેશોમાંથી ક્રૂડ ઓઈલની આયાત કરે છે. દેશની રિફાઈનરીઓ પેટ્રોકેમિકલ ઉદ્યોગ સાથે વધુ સંકલિત થઈ રહી છે, તેમની કાર્યક્ષમતા અને નિકાસ સ્પર્ધાત્મકતામાં વધારો કરી રહી છે. પુરીએ જણાવ્યું હતું કે આગામી કેટલાક ક્વાર્ટરમાં ક્રૂડ ઓઈલનો વપરાશ વર્તમાન 5.6 મિલિયન બેરલ પ્રતિ દિવસના સ્તરથી વધીને 6 મિલિયન બેરલ પ્રતિ દિવસ થઈ શકે છે.













