ભારતના સૌથી લાંબા દરિયાઇ પુલ 'અટલ સેતુ' પર હવે ઇલેક્ટ્રિક વાહનો માટે ટોલથી મુક્તી આપવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારના શહેરી વિકાસ વિભાગે તાજેતરમાં જ જાહેર કરેલા નોટિફિકેશનમાં આ માહિતી આપી છે. આ છૂટછાટનો લાભ ખાનગી ઇલેક્ટ્રિક ફોર વ્હીલર તથા ઈલેક્ટ્રિક બસોને મળશે — જેમાં રાજ્ય પરિવહન નિગમ તથા ખાનગી ઓપરેટરોની બસો પણ સમાવિષ્ટ છે.


હવે ઇલેક્ટ્રિક વાહનો માટે આ દરિયાઈ લિંક પર ટોલમાં છૂટછાટ લાગૂ

આ નિર્ણય મહારાષ્ટ્ર મોટર વાહન કર અધિનિયમ, 1958 હેઠળ 31 જાન્યુઆરી 2025ના પૂર્વ નોટિફિકેશનમાં આંશિક સુધારો કરીને લેવામાં આવ્યો છે, જેમાં તમામ પ્રકારના વાહનો માટે ટોલ ફી નક્કી કરવામાં આવી હતી. નવા સુધારા મુજબ હવે ઇલેક્ટ્રિક વાહનો માટે આ દરિયાઈ લિંક પર ટોલમાં છૂટછાટ લાગૂ થશે.

ટોલ મુક્તિના હેતુઓ

આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. આ પગલાંથી કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદ મળશે અને પર્યાવરણપ્રદૂષણ સામે સકારાત્મક અસર પડશે.

મુંબઈ-પૂણે એક્સપ્રેસવે અને સમૃદ્ધિ મહામાર્ગ પર પણ વિચારણા

રાજ્ય સરકારે સૂચવ્યું છે કે ટોલ મુક્તિનો લાભ મુંબઈ-પૂણે એક્સપ્રેસવે અને સમૃદ્ધિ મહામાર્ગ જેવી અન્ય મોટા રાષ્ટ્રીય માર્ગોને પણ આગામી સમયમાં આપવામાં આવી શકે છે.

પાત્રતા અને મર્યાદાઓ

પાત્ર વાહનોમાં ખાનગી ઇલેક્ટ્રિક કાર, ઇલેક્ટ્રિક બસો (રાજ્ય પરિવહન તથા ખાનગી), અને શહેરમાં ચાલતી ઈલેક્ટ્રિક પેસેન્જર વાહનોનો સમાવેશ થાય છે જ્યારે ઇલેક્ટ્રિક માલ વાહક વાહનોને છૂટ અપાઇ નથી

ઈવી નોંધણી આંકડા

હાલમાં મુંબઈ શહેરમાં કુલ 22,400 ઈલેક્ટ્રિક વાહનો નોંધાયેલા છે, જેમાં 18,400 હલકા ફોર વ્હીલર, 2,500 હલકા પેસેન્જર વાહનો, 1,200 હેવી બસો અને 300 મિડિયમ પેસેન્જર વાહનો શામેલ છે.

દરરોજ અંદાજે 60,000 વાહનો પસાર

અટલ સેતુ પરથી દરરોજ અંદાજે 60,000 વાહનો પસાર થાય છે, જેમાંથી 34,000 થી 40,000 અટલ સેતુનો ઉપયોગ ખાસ કરે છે, જ્યારે 22,000 સમૃદ્ધિ મહામાર્ગ અને હજારો મુંબઈ-પૂણે એક્સપ્રેસવે પર ચાલે છે.

પર્યાવરણ માટે સકારાત્મક સંકેત

મહારાષ્ટ્રની ઇલેક્ટ્રિક વાહન નીતિ રાજ્યના વાહન પરિવહન ક્ષેત્રમાં વ્યાપક પરિવર્તન લાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. ટોલ મુક્તિથી ઈવી માલિકોને આર્થિક રાહત તો મળશે જ, સાથે પર્યાવરણ સંરક્ષણમાં પણ મદદરૂપ થશે

  • Follow us on: