મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બોઈસર તારાપુર MIDC વિસ્તારમાં આવેલી મેલોડી (મેડલી) ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ કંપનીમાં ગુરુવારે મોડી સાંજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. કંપનીના પ્લાન્ટ નંબર F-13માં દવા બનાવવાની પ્રક્રિયા દરમિયાન નાઈટ્રોજન ગેસ લીકેજ થયો છે. જેના કારણે 6 કર્મચારી પ્રભાવિત થયા છે.


કર્મચારીઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

આ દુર્ઘટનામાં 4 કામદારોના ગૂંગળામણને કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે બે અન્ય લોકોની હાલત ગંભીર છે. ઘાયલોને નજીકની શિંદે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ફાર્મા કંપનીમાં આલ્બેન્ડાઝોલ દવાનું ઉત્પાદન થઈ રહ્યું હતું. આ દરમિયાન નાઈટ્રોજન ગેસ ભેળવતી વખતે અચાનક લીકેજ થયું. ગેસના સંપર્કમાં આવતા કામદારો બેભાન થઈ ગયા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. મૃતકોમાં કમલેશ યાદવ, કલ્પેશ રાઉત, ધીરજ પવાર અને બંગાળી ઠાકુરનો સમાવેશ થાય છે. રોહન શિંદે અને નીલેશ અડલેની હાલત ગંભીર છે.

તારાપુર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં અકસ્માત થયો હતો

ઘટનાની માહિતી મળતા જ બોઈસર પોલીસ સબ-ડિવિઝનલ ઓફિસર વિકાસ નાઈક તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. અકસ્માત બાદ કંપની પરિસરમાં અફરાતફરીનો માહોલ છે. આ અકસ્માત તારાપુર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં થયો છે. મેડલી ફાર્માસ્યુટિકલ કંપની તારાપુર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટ નંબર- F13માં આવેલી છે, જ્યાં આ દુર્ઘટના સર્જાઈ છે, ગેસ લીકેજને કારણે 6 કામદારો બેભાન થઈ ગયા છે, જેમાંથી 4ના શ્વાસ રૂંધાઈ જવાથી મૃત્યુ થયા છે, જ્યારે 2 લોકોને તાત્કાલિક અહીંની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને હાલમાં તેમની સારવાર ચાલી રહી છે. આ અકસ્માત કેવી રીતે થયો અને ગેસ લીકેજનું ચોક્કસ કારણ શું છે? તે તપાસ ચાલી રહી છે.

મોટી દુર્ઘટના ટળી

તમને જણાવી દઈએ કે અકસ્માત બાદ ફાર્મા કંપનીમાં હલચલ મચી ગઈ હતી. ઘટનાસ્થળે કામ કરતા કામદારો કંપનીમાંથી ભાગવા લાગ્યા હતા. કંપનીની અંદરથી બહાર આવેલા લોકોએ જણાવ્યું હતું કે અચાનક નાઈટ્રોજન ગેસ લીકેજ થયો. જેમાં 4 કર્મચારીઓના શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયા છે. જોકે કંપનીની ફાયર ફાઈટર ટીમે સમયસર ગેસ લીકેજ પર કાબુ મેળવ્યો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

  • Follow us on: