મહારાષ્ટ્રના નાગપુર સ્થિત AIIMSમાં આત્મહત્યાની એક મોટી ઘટના સામે આવી છે. 22 વર્ષના એક ઈન્ટર્ન ડોક્ટરે હોસ્પિટલના બાથરૂમમાં ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવી લીધું છે. આ સમાચાર મળતા જ સમગ્ર કેમ્પસમાં સન્નાટો છવાઈ ગયો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ડોક્ટર મૂળ રૂપે પરભણી જિલ્લાના જિંતૂરનો રહેવાસી હતો.
તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી
તેને તાજેત્તરમાં જ MBBSનો અભ્યાસ પૂરો કર્યો હતો અને હાલમાં એઈમ્સમાં ઈન્ટર્નશીપ કરી રહ્યો હતો. શનિવારે રાત્રે તે મિત્રો સાથે જોવા મળ્યો હતો પણ જ્યારે સવારે હોસ્ટલથી બહાર ના નીકળ્યો તો મિત્રોને શંકા ગઈ અને ત્યારબાદ હોસ્ટલ વાર્ડનને સૂચના આપી, વાર્ડને રૂમ ખોલ્યો તો ઈન્ટર્ન ડોક્ટરનો મૃતદેહ બાથરૂમના દરવાજા પાસે લટકેલો જોવા મળ્યો. તે પછી તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી અને સોનેગાંવ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. પોલીસને ઘટનાસ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. મૃતક ડોક્ટરનો મોબાઈલ ફોન જપ્ત કરી લેવામાં આવ્યો છે અને પોલીસ તેની તપાસમાં લાગી છે.
પોલીસે કેમ મોબાઈલ ફોન જપ્ત કર્યો?
મોબાઈલ ફોનમાં હાજર કોલ ડિટેલ, ચેટ અને ડિજિટલ રેકોર્ડથી તેની માનસિક સ્થિતિ અને સંભવિત કારણો શોધવામાં આવશે. આ મામલે આકસ્મિક મોતનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ચોક્કસ કારણ જાણી શકાશે. આ ઘટનાએ મેડિકલના વિદ્યાર્થીઓ અને ડોક્ટરોને ઊંડા આઘાતમાં મૂકી દીધા છે અને સમગ્ર કેમ્પસમાં હડકંપ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં દિલ્હી એઈમ્સના ન્યૂરો સર્જન ડો. રાજ ઘોનિયાએ પણ આત્મહત્યા કરી લીધી હતી. 34 વર્ષીય ડોક્ટર ઘોનિયા મૂળ રૂપે રાજકોટના રહેવાસી હતી. એઈમ્સ ટ્રોમા સેન્ટરમાં ન્યૂરો સર્જનના પદ પર કામગીરી કરતા હતા. આ મામલે પોલીસેને કારણ જાણવા મળ્યું કે ડોક્ટરને તેમની પત્ની સાથે વિવાદ ચાલી રહ્યો હતો.