જો તમે એપ્રિલ મહિનામાં કોઈ જગ્યા પર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ સમાચાર ખાસ વાંચી લેજો, મિડલ ઈસ્ટમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે, તેની સીધી અસર હવે હવાઈ મુસાફરી પર પડવાની છે. આગામી 1 એપ્રિલથી ફ્લાઈટની ટિકિટ મોંઘી થઈ શકે છે. ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડૂએ તેના સંકેત આપ્યા છે.
દુનિયામાં ક્રૂડ ઓઈલના સપ્લાય પર સંકટ
જ્યારે પણ કોઈ જગ્યાએ યુદ્ધ થાય છે તો સૌથી પહેલા ક્રૂડ ઓઈલના ભાવ વધે છે. ઈરાન અને તેની આસપાસના દેશોમાં સર્જાયેલી સ્થિતિને કારણે સમગ્ર દુનિયામાં ક્રૂડ ઓઈલના સપ્લાય પર સંકટ આવી ગયું છે. ત્યારે ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડૂનું કહેવું છે કે આ યુદ્ધના કારણે વિમાનના ઈંધણના ભાવમાં વધારો થશે. આ કિંમત દર મહિનાની 1લી તારીખે નક્કી થાય છે, તેથી તેની અસર 1 એપ્રિલથી જોવા મળશે.
કેટલીક એરલાઈન્સે એકસ્ટ્રા ચાર્જ લગાવવાનો કર્યો શરૂ
ત્યારે હવે સવાલ એ છે કે ક્રૂડ ઓઈલ મોંઘું થવાના કારણે ટિકિટના ભાવ કેમ વધે છે? તેનું ગણિત ખુબ જ સીધું છે. કોઈ પણ એરલાઈનને ચલાવવામાં જે ખર્ચ આવે છે, તેનો લગભગ 40 ટકા ભાગ માત્ર ઈંધણ પાછળ ખર્ચ થાય છે. જો ઈંધણના ભાવ વધ્યા તો એરલાઈન્સની પાસે ભાડું વધાર્યા સિવાય અન્ય કોઈ રસ્તો બચશે નહીં. કેટલીક ભારતીય કંપનીઓએ તો અત્યારથી જ ટિકિટ પર એક્સ્ટ્રા ચાર્જ લગાવવાનો શરૂ પણ કરી દીધો છે.
સામાન્ય માણસની સ્થિતિ વિકટ બની
જો કે સરકાર પ્રયત્ન કરી રહી છે કે તેનો બોજ સામાન્ય માણસ પર ઓછામાં ઓછો પડે. ઉડ્ડયન મંત્રાલય, પેટ્રોલિયમ મંત્રાલયની સાથે મળીને સતત મીટિંગ કરી રહ્યું છે. સરકાર એરલાઈન્સ કંપનીઓ સાથે વાત કરી રહી છે. પ્રયત્ન એ છે કે ફ્લાઈટ્સ સુરક્ષિત પણ રહે અને મુસાફરોના ખિસ્સા પર પણ તેની વધારે અસર ના પડે.
આ પણ વાંચો : Bank Fraud કેસનો ફરાર આરોપી 9 વર્ષ બાદ CBIના હાથે ઝડપાયો