GST કાઉન્સિલની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે અને આ બેઠકમાં આજે GSTના ટેક્સ સ્લેબને લઈને મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. હવેથી દેશમાં માત્ર 3 ટેક્સ સ્લેબ લાગુ થશે, જેમાં 5 ટકાનો સ્લેબ અને 18 ટકાનો સ્લેબ લાગુ રહેશે, સાથે જ એક સ્પેશિયલ ટેક્સ સ્લેબ પણ રાખવામાં આવ્યો છે. ત્યારે નાણાપ્રધાન દ્વારા આ ટેક્સ સ્લેબ અંગેની જાહેરાત કર્યા બાદ વડાપ્રધાન મોદીનું પ્રથમ નિવેદન GST ટેક્સ સ્લેબને લઈને સામે આવ્યું છે.
સામાન્ય માણસ, ખેડૂતો, MSME, મધ્યમ વર્ગ, મહિલાઓ અને યુવાનોને ફાયદો થશે: PM મોદી
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું કે 'મારા સ્વતંત્રતા દિવસના ભાષણ દરમિયાન, મેં GSTમાં નવી પેઢીના સુધારા લાવવાના અમારા ઈરાદા વિશે વાત કરી હતી. કેન્દ્ર સરકારે સામાન્ય માણસ માટે જીવન સરળ બનાવવા અને અર્થતંત્રને મજબૂત બનાવવાના હેતુથી વ્યાપક-આધારિત GST દર તર્કસંગતીકરણ અને પ્રક્રિયા સુધારા માટે એક વિગતવાર દરખાસ્ત તૈયાર કરી હતી. ત્યારે મને જણાવતા આનંદ થાય છે કે GST કાઉન્સિલે GST દર ઘટાડા અને સુધારાઓ પર કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવો સાથે સામૂહિક રીતે સંમત થયા છે, જેનાથી સામાન્ય માણસ, ખેડૂતો, MSME, મધ્યમ વર્ગ, મહિલાઓ અને યુવાનોને ફાયદો થશે. આ વ્યાપક સુધારાઓ આપણા નાગરિકોના જીવનમાં સુધારો કરશે અને બધા માટે ખાસ કરીને નાના વેપારીઓ અને વ્યવસાયો માટે વ્યવસાય કરવાની સરળતા સુનિશ્ચિત કરશે.
PMએ 15 ઓગસ્ટના દિવસે જીએસટી રિફોર્મને લઈને જાહેરાત કરી હતી
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ 15 ઓગસ્ટના દિવસે જીએસટી રિફોર્મને લઈને જાહેરાત કરી હતી. ત્યારબાદ આ પ્રથમ કાઉન્સિલ બેઠક હતી અને જેમાં મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. આ દરમિયાન હિમાચલ પ્રદેશના મંત્રી રાજેશ ધર્માણીએ બેઠકમાં નીકળ્યા બાદ મીડિયાને જાણકારી આપતા કહ્યું કે તમામ સભ્યો તરપથી જીએસટી સ્લેબને તર્ક સંગત બનાવવાના પક્ષમાં સહમતિ વ્યક્ત કરી છે. દેશભરમાં હવે માત્ર બે ટેક્સ સ્લેબ 5 ટકા અને 18 ટકા લાગુ થશે. જ્યારે અન્ય લક્ઝુરિયસ વસ્તુઓ પર 40 ટકા ટેક્સ લાગશે.