ભારત સરકાર દ્વારા ભાગેડુઓને પરત લાવવાના પ્રયત્નોમાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ સિલસિલામાં બ્રિટનની ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (CPS)ની એક ટીમે તાજેતરમાં દિલ્હીમાં સ્થિત તિહાર જેલનું નિરીક્ષણ કર્યું. આ મુલાકાતનો હેતુ ખાસ કરીને વિજય માલ્યા અને નીરવ મોદી જેવા ભાગેડુ આર્થિક ગુનેગારોના પ્રત્યાર્પણના કેસોમાં મદદ કરવાનો છે.
ટીમનો હેતુ બ્રિટિશ કોર્ટમાં સાબિત કરવાનો છે કે ભારત પ્રત્યાર્પણ કરાયેલા આરોપીઓને તિહાર જેલમાં સુરક્ષિત અને સારું વાતાવરણ પૂરું પાડવામાં આવશે. તાજેતરમાં જ બ્રિટિશ કોર્ટે તિહાર જેલની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરીને ઘણા કેસોમાં ભારતની પ્રત્યાર્પણ અરજીઓ ફગાવી દીધી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે બ્રિટનને ગેરંટી આપી છે કે કોઈપણ પ્રત્યાર્પણ કરાયેલા આરોપીને જેલમાં માર મારવામાં આવશે નહીં કે તેમની સાથે કોઈ ગેરકાયદેસર પૂછપરછ કરવામાં આવશે નહીં.
હાઈ-પ્રોફાઈલ આરોપીઓ માટે ખાસ એન્ક્લેવ
ભારતમાંથી ભાગી ગયેલા આર્થિક ગુનેગારો અને ભાગેડુઓને પરત લાવવાના પ્રયાસોમાં આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. બ્રિટનની ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (CPS)ની એક ટીમ દિલ્હીની તિહાર જેલ પહોંચી અને ત્યાંની સુવિધાઓનો અભ્યાસ કર્યો. મળતી માહિતી અનુસાર, CPS ટીમ તિહારના ઉચ્ચ સુરક્ષા વોર્ડમાં ગઈ હતી અને ત્યાંના કેદીઓ સાથે પણ વાત કરી. ભારતીય અધિકારીઓએ CPS પ્રતિનિધિઓને ખાતરી આપી છે કે જો જરૂર પડે તો જેલ પરિસરમાં એક ખાસ એન્ક્લેવ બનાવવામાં આવશે જ્યાં વિજય માલ્યા, નીરવ મોદી જેવા હાઈ-પ્રોફાઈલ આરોપીઓને સુરક્ષિત રીતે રાખી શકાય છે.
ભારત પાસે વિદેશમાં 178 પ્રત્યાર્પણ અરજીઓ પેન્ડિંગ
આ પહેલનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે બ્રિટન આવા ભાગેડુ ગુનેગારોના પ્રત્યાર્પણમાં ભારતને સહયોગ આપે. અત્યાર સુધીમાં ભારત પાસે 178 પ્રત્યાર્પણ અરજીઓ વિદેશમાં પેન્ડિંગ છે, જેમાંથી લગભગ 20 વિનંતીઓ ફક્ત બ્રિટનમાં જ ફસાયેલી છે. આમાં વિજય માલ્યા, નીરવ મોદી, હથિયાર વેપારી સંજય ભંડારી અને ઘણા ખાલિસ્તાની નેતાઓના નામ શામેલ છે. ઉલ્લેખનીય છે કે ભારતના આ મોટા ઉદ્યોગપતિઓ કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવીને વિદેશ જતા રહ્યા છે અને ભારત સરકાર આ તમામ લોકોને દેશમાં પરત લાવવા માટે પ્રયત્નો કરી રહી છે.