કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. શાહે સ્પષ્ટ કર્યું હતું કે આતંકવાદ પ્રત્યે કેન્દ્ર સરકારની શૂન્ય-સહિષ્ણુતા નીતિ ચાલુ રહેશે. તેમણે તમામ સુરક્ષા એજન્સીઓને સતર્ક રહેવા અને જમ્મુ અને કાશ્મીરમાંથી આતંકવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે સંકલિત રીતે કામ કરવાનો નિર્દેશ આપ્યો હતો.


આતંકવાદને તોડી પાડવાની કામગીરી યથાવત 

અધિકારીઓના જણાવ્યા અનુસાર એપ્રિલમાં પહેલગામ આતંકવાદી હુમલા પછી જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી નેટવર્કને તોડી પાડવા માટે સતત કામગીરી ચાલી રહી છે. સરકાર એ પણ સુનિશ્ચિત કરી રહી છે કે રાજ્યમાં પ્રવાસન પ્રવૃત્તિઓ સામાન્ય થાય.

વિકાસના પ્રોજેક્ટની કરવામાં આવી સમીક્ષા 

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર બેઠક દરમિયાન પીર પંજાલ ક્ષેત્રમાં સુરક્ષા પરિસ્થિતિ અને જમ્મુ અને કાશ્મીરમાં ચાલી રહેલા વિકાસ પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલય દ્વારા આવી છેલ્લી સમીક્ષા બેઠક 1 સપ્ટેમ્બરના રોજ યોજાઈ હતી.


કોણ કોણ બેઠકમાં હતું હાજર ? 

આ બેઠકમાં કેન્દ્ર અને જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા, જેમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન, ગુપ્તચર બ્યુરો (IB) ના ડિરેક્ટર જનરલ તપન ડેકા, જમ્મુ અને કાશ્મીર પોલીસ ડિરેક્ટર જનરલ નલિન પ્રભાત, CRPF DG GP સિંહ અને BSF DG દલજીત સિંહ ચૌધરીનો સમાવેશ થાય છે.

  • Follow us on: