સાયબર ઠગો હવે સામાન્ય લોકો જ નહીં પરંતુ દેશના જાણીતા રાજકીય પરિવારોને પણ નિશાન બનાવી રહ્યા છે. તાજેતરમાં દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દ્ર કુમાર ગુજરાલના પુત્ર અને પૂર્વ રાજ્યસભા સાંસદ નરેશ ગુજરાલ સાથે જોડાયેલા એક મોટા સાયબર ફ્રોડનો મામલો સામે આવ્યો છે, જેમાં અંદાજે 7.8 કરોડ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે.
વોટ્સએપ ડીપી દ્વારા કરી ઠગાઈ
મળતી માહિતી મુજબ નરેશ ગુજરાલની કંપનીમાં કામ કરતા એક વરિષ્ઠ અધિકારીને અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ મળ્યો હતો. આ નંબરની પ્રોફાઇલ તસવીર (DP) નરેશ ગુજરાલની હોવાથી અધિકારીએ માની લીધું કે મેસેજ તેમના બોસ દ્વારા જ મોકલવામાં આવ્યો છે. મેસેજમાં તાત્કાલિક એક નિશ્ચિત બેન્ક ખાતામાં મોટી રકમ ટ્રાન્સફર કરવા માટે કહેવામાં આવ્યું હતું. શરૂઆતમાં લગભગ 1.5 કરોડ રૂપિયા RTGS મારફતે મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ આગામી ચાર દિવસ સુધી ઠગ સતત અલગ-અલગ કારણોસર પૈસા માંગતો રહ્યો અને અધિકારીએ વિશ્વાસમાં આવી અનેક ટ્રાન્ઝેક્શન કરી દીધી.
બેન્કે નરેશ ગુજરાલની પુત્રી દીક્ષા ગુજરાલનો સંપર્ક કર્યો
આ રીતે કુલ મળીને લગભગ 7.8 કરોડ રૂપિયા ઠગના ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા હતા. એટલું જ નહીં, બેન્કે મોટી રકમના ટ્રાન્ઝેક્શન અંગે કંપનીના CFOનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે પણ આ સૂચનાઓ નરેશ ગુજરાલ તરફથી જ આવી હોવાનું માનીને મંજૂરી આપી દીધી હતી. મામલામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે 16 જૂને અધિકારીને શંકા જતાં તેણે નરેશ ગુજરાલની પુત્રી દીક્ષા ગુજરાલનો સંપર્ક કર્યો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે નરેશ ગુજરાલે કોઈ પણ પ્રકારની રકમ ટ્રાન્સફર કરવાની સૂચના આપી જ નહોતી.
પોલીસે તપાસ શરૂ કરી
ત્યારબાદ પરિવાર દ્વારા તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી. દિલ્હી પોલીસની IFSO ટીમે તપાસ શરૂ કરી અને પૈસા ગયેલા ખાતાને ટ્રેક કર્યું. તપાસ દરમિયાન લગભગ 4 કરોડ રૂપિયાની રકમ ટ્રેસ કરીને ફ્રીઝ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ હાલ સમગ્ર સાયબર ફ્રોડ નેટવર્કની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : Karnataka MLC Election 2026 : કોંગ્રેસની 5 તો ભાજપની 2 સીટ પર જીત, JDSને લાગ્યો ઝટકો