ભારત સામે જાસૂસી કેસમાં ધરપકડ કરાયેલી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાએ હિસાર કોર્ટમાં ડિફોલ્ટ જામીન માટે અરજી દાખલ કરી છે. હિસાર કોર્ટમાં દાખલ કરાયેલી જામીન અરજીમાં જ્યોતિ મલ્હોત્રાએ કહ્યુ છે કે, પોલીસે 90 દિવસની અંદર સંપૂર્ણ ચાર્જશીટ દાખલ કરી નથી. જેના કારણે તેણીને BNSSની કલમ 187(2) હેઠળ ડિફોલ્ટ જામીનનો અધિકાર છે.
યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા ફરી ચર્ચામાં
ભારત સામે જાસૂસી કેસમાં ધરપકડ કરાયેલી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાએ હિસાર કોર્ટમાં ડિફોલ્ટ જામીન માટે અરજી દાખલ કરીને કહ્યુ છે કે, આરોપીને 17 મે 2025ના રોજ રાત્રે 1:35 વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે કસ્ટડીમાં છે. 90 દિવસનો સમયગાળો 15 ઓગસ્ટ 2025ના રોજ પૂર્ણ થયો હતો. પરંતુ પોલીસે હજુ સુધી સંપૂર્ણ ચાર્જશીટ દાખલ કરી નથી. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 14 ઓગસ્ટ 2025ના રોજ અધૂરી ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. જેની નકલ આરોપીને કે તેના વકીલને આપવામાં આવી ન હતી. 29 ઓગસ્ટ 2025ના રોજ કોર્ટમાં સુનાવણી દરમિયાન, ફરિયાદ પક્ષે પણ સ્વીકાર્યું હતું કે, તપાસ હજુ પૂર્ણ થઈ નથી અને અંતિમ ચાર્જશીટ હજુ સુધી દાખલ કરવામાં આવી નથી. હિસાર કોર્ટ 2 સપ્ટેમ્બરના રોજ કેસની સુનાવણી કરશે.
શું હતો મામલો ?
હરિયાણા પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, SIT દ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટમાં, પોલીસે દાવો કર્યો હતો કે, જ્યોતિ મલ્હોત્રાનો ઉપયોગ પાકિસ્તાન માટે ટૂલકીટ તરીકે થઈ રહ્યો હતો. તેના પર પાકિસ્તાની એજન્ટો સાથે માહિતી શેર કરવાનો આરોપ છે અને તે સતત સંપર્કમાં હતી. જ્યોતિ પાકિસ્તાનની મુલાકાત દરમિયાન ત્યાંના એજન્ટોના સંપર્કમાં આવી હતી. જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાન હાઇ કમિશનમાં તૈનાત દાનિશ અલી સાથે સતત સંપર્કમાં હતી. પોલીસને જ્યોતિ મલ્હોત્રા અને દાનિશ વચ્ચેની ચેટ પણ મળી છે. જ્યોતિ મલ્હોત્રા 'ટ્રાવેલ વિથ જો' નામની યુટ્યુબ ચેનલ ચલાવતી હતી. પોલીસે 16 મેના રોજ ભારત વિરુદ્ધ પાકિસ્તાન માટે જાસૂસી કરવાના કેસમાં જ્યોતિની ધરપકડ કરી હતી.