અત્યારે પૈસા પડાવવા લોકો શું નથી કરતા ? ભગવાનના નામે પણ પાખંડ કરતા ખચકાતા નથી. ને કેટલાક ભોળા શ્રદ્ધાળુઓ આવા પાખંડીઓના સકંજામાં આવીને શારિરીક અને માનસિક પરેશાનીનો સામનો કરે છે. ત્યારે આવી જ એક ઘટના બની મહારાષ્ટ્રમાં. જ્યાં 59 વર્ષીય આધેડએ પોતાને ભગવાનનો અવતાર ગણાવીને લોકોને છેતર્યા. આ પાખંડી શખ્સ પર આરોપ છે કે તેણે સ્વાસ્થ્ય અને પારિવારિક સમસ્યાઓ નિવારવાના બહાને એક ભક્ત મહિલાનું શારીરિક અને માનસિક શોષણ કર્યું હતું.
પોલીસને ફરિયાદ મળતા દરોડા પાડ્યા
પુણેના પોલીસ કમિશનર (CP) અમિતેશ કુમારે જણાવ્યું કે, સિંહગઢ રોડ વિસ્તારમાં રહેતી અને શહેરની એક પ્રતિષ્ઠિત કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરતી 41 વર્ષીય પીડિતાએ મંગળવારે રાત્રે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પુણે સિટી ક્રાઈમ બ્રાંચની ટીમે ઉબાલેનગર સ્થિત એક આલીશાન બંગલા પર દરોડો પાડ્યો હતો. પોલીસે મુખ્ય આરોપી રાધામોહન મિશ્રા (ઉંમર 59 વર્ષ) સાથે જ તેનો મુખ્ય સાથીદાર કનવલ નયન (ઉંમર 58 વર્ષ) અને અન્ય છ મહિલા મદદગારોને ઝડપી પાડ્યા.
પોલીસના જણાવ્યા અનુસાર, મૂળ હરિયાણાનો રહેવાસી રાધામોહન મિશ્રા છેલ્લા આઠ વર્ષથી પુણેમાં આ બંગલાની અંદર આશ્રમ ચલાવતો હતો. પીડિત મહિલા પણ હરિયાણાની વતની છે અને તેના પિતા વ્યવસાયે તબીબ (ડોક્ટર) છે.
અશ્લીલ વીડિયો બનાવી બ્લેકમેલિંગનો ખેલ
કોર્ટની કાર્યવાહી દરમિયાન સરકારી વકીલ વિજય કદમે ન્યાયાધીશને જણાવ્યું હતું કે, મુખ્ય આરોપી મિશ્રાએ પીડિત મહિલાના કેટલાક વાંધાજનક અને અશ્લીલ વીડિયો ક્લિપ રેકોર્ડ કરી લીધા હતા. આ વીડિયોના આધારે પીડિતાને બ્લેકમેલ કરવામાં આવી રહી હતી. પોલીસે આ મહત્વના પુરાવા અને વધુ તપાસ માટે આરોપીઓની મહત્તમ કસ્ટડી મેળવી છે.
અમાનવીય કૃત્યો અને ચોરી કરાવવાનો આક્ષેપ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મિશ્રાએ મહિલા અને તેના અન્ય અનુયાયીઓનો એવો બ્રેઈનવોશ કર્યો હતો કે પોતે સાક્ષાત ઈશ્વરનો અંશ છે. એટલું જ નહીં, તેણે પીડિતાને તેનું પેશાબ પીવા માટે પણ મજબૂર કરી હતી. આરોપ એવો પણ છે કે છેલ્લા છ વર્ષ દરમિયાન આ ઢોંગી ગુરુએ પોતાના આશ્રમને વૈભવી બનાવવા અને પોતે અમીર બનવા માટે પીડિત મહિલા પાસે અલગ-અલગ જગ્યાએ ચોરીઓ પણ કરાવી હતી.
આશ્રમના ભોંયરામાંથી મળી ચોંકાવનારી વસ્તુઓ
- જ્યારે પોલીસે મિશ્રાના આશ્રમ જેવા બંગલાની તલાશી લીધી, ત્યારે ત્યાંથી એક ગુપ્ત ભોંયરામાં રૂમ મળી આવ્યો હતો. આ રૂમમાંથી પોલીસે મોટી માત્રામાં પુરાવા જપ્ત કર્યા છે. ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ જેમ કે 12 લેપટોપ, 11 મોબાઈલ ફોન, 19 હાર્ડ ડ્રાઈવ, તેમજ અસંખ્ય પેન ડ્રાઈવ અને ઓડિયો-વિડિયો કેસેટો મળી આવી.
- આ ઉપરાંત ₹6.5 લાખની રોકડા રૂપિયા અને અંદાજે ₹15 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના પણ મળી આવ્યા.
- આશ્રમમાંથી શંકાસ્પદ દવાઓ અને કેમિકલ્સનો મોટો જથ્થો પણ મળી આવ્યો છે, જેના કારણે પોલીસે આ મામલે ડ્રગ્સ એંગલથી પણ તપાસ તેજ કરી છે.
- તમામ ડિજિટલ ઉપકરણોને ફોરેન્સિક તપાસ (FSL) માટે મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓના મતે, આ પાખંડી ગુરુના સંગાથમાં અન્ય પણ કેટલીક મહિલાઓ ભોગ બની હોવાની પ્રબળ આશંકા છે, જેથી આગામી દિવસોમાં વધુ ખુલાસા થઈ શકે છે.
આ પણ વાંચો-પાણીપુરીમાં બટાકા ચણા જ કેમ ભરવામાં આવે છે?