મહારાષ્ટ્રમાં TET પરીક્ષાના પેપર લીક કાંડ બાદ 28 જૂનના રોજ યોજાનારી પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આ મામલે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવ્યા છે અને ઠાણેના જોઈન્ટ પોલીસ કમિશનર પંજાબરાવ ઉગલેની અધ્યક્ષતામાં વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
3 આરોપીની કરાઈ છે ધરપકડ
આ કેસમાં અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ 8 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. પોલીસને શંકા છે કે આ કેસમાં હજુ બે આરોપીઓ ફરાર છે અને તેમની શોધખોળ ચાલુ છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે પેપર વેચવા માટે અંદાજે 1.5 કરોડ રૂપિયાની ડીલ થઈ હતી. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી TET પરીક્ષાના ચાર સેટ પ્રશ્નપત્રો જપ્ત કરવામાં આવ્યા છે. તપાસ એજન્સીઓને આશંકા છે કે આ સમગ્ર રેકેટ પાછળ એક મોટું ગેંગ અથવા આંતરરાષ્ટ્રીય નેટવર્ક કાર્યરત હોય શકે છે.













