મહારાષ્ટ્ર શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) પેપર લીક કેસમાં તપાસ આગળ વધતા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સમગ્ર રેકેટના તાર અનેક રાજ્યો સુધી ફેલાયેલા હોય શકે છે. પોલીસે અત્યાર સુધી રાજુ શાહુ, આકાશ કુમાર અને ધીરજ સિંહ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. તેમાંનો એક આરોપી બિહારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે, જ્યારે સમગ્ર નેટવર્કનું સંચાલન પણ બિહાર સાથે જોડાયેલા લોકો દ્વારા થતું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


દરેક સેટ માટે અંદાજે ₹37.50 લાખનો સોદો થયો

તપાસ મુજબ આરોપીઓ દિલ્હીથી મહારાષ્ટ્ર આવ્યા હતા અને કોડવર્ડ દ્વારા સ્થાનિક લોકોનો સંપર્ક કરી પેપર વેચવાનો સોદો કર્યો હતો. યોજના મુજબ પરીક્ષા પહેલાં લગભગ 24 કલાક અગાઉ પ્રશ્નપત્રની PDF તૈયાર કરીને પસંદ કરાયેલા ઉમેદવારો સુધી પહોંચાડવાની હતી. પોલીસના જણાવ્યા અનુસાર લીક થયેલા પ્રશ્નપત્રના ચારેય સેટ આરોપીઓ પાસે હતા અને દરેક સેટ માટે અંદાજે ₹37.50 લાખનો સોદો થયો હતો. આ રીતે સમગ્ર સોદાની કિંમત લગભગ ₹1.5 કરોડ સુધી પહોંચી હોવાનું અનુમાન છે. હાલ તપાસ એ દિશામાં ચાલી રહી છે કે પ્રશ્નપત્ર કેટલા ઉમેદવારો સુધી પહોંચ્યું અને આ માટે કેટલા લોકોએ રૂપિયા ચૂકવ્યા.

CMએ SITની રચના કરવાનો આદેશ આપ્યો

આરોપીઓ દિલ્હીથી મુંબઈ અને ત્યારબાદ ભિવંડી પહોંચ્યા હતા, જ્યાંથી સમગ્ર રેકેટ સંચાલિત થવાનું હતું. ગુપ્ત માહિતીના આધારે પોલીસે દરોડો પાડી પ્રશ્નપત્રના નકલો કબજે કર્યા હતા, જેમાં અનેક પ્રશ્નો મૂળ TET પરીક્ષા સાથે મેળ ખાતા હોવાનું સામે આવ્યું હતું. મામલાની ગંભીરતા જોતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવાનો આદેશ આપ્યો છે. સરકારે દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. જો તપાસમાં સંગઠિત ગુનાહિત નેટવર્કનો ખુલાસો થશે તો આરોપીઓ સામે MCOCA હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે. હાલ સમગ્ર નેટવર્ક અને તેમાં સામેલ અન્ય લોકોની ભૂમિકા અંગે સઘન તપાસ ચાલુ છે.

 આ પણ વાંચો : Jammu Kashmir : ગુલમર્ગમાં LOCની પાસે રહસ્યમય બ્લાસ્ટ, 1 વ્યક્તિનું મોત, 4 લોકો ઘાયલ


  • Follow us on: