જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ગુલમર્ગ સેક્ટરમાં શનિવારે બપોરે એક દુર્ઘટનામાં જૂનો મોર્ટાર શેલ ફાટતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટના આશા પોસ્ટ વિસ્તાર નજીક સુમલોવાળી ડોક પાસે બની.


અચાનક શેલમાં વિસ્ફોટ થતાં દુર્ઘટના સર્જાઈ

મૃતકની ઓળખ બારામુલ્લાના ચંદૂસા વિસ્તારના રહેવાસી જુબૈર અહમદ બઝાદ તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, અગાઉના સમયનો વિસ્ફોટ ન થયેલો મોર્ટાર શેલ ત્યાં પડ્યો હતો. સ્થાનિક લોકોનો એક જૂથ તે વિસ્તારમાં હાજર હતો ત્યારે અચાનક શેલમાં વિસ્ફોટ થતાં દુર્ઘટના સર્જાઈ હતી.

સમગ્ર વિસ્તારને સુરક્ષિત કરી તપાસ શરૂ 

ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની સ્થિતિ અંગે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. ઘટનાની જાણ થતાં પોલીસ અને અન્ય સુરક્ષા દળો તરત જ સ્થળ પર પહોંચી ગયા હતા અને સમગ્ર વિસ્તારને સુરક્ષિત બનાવી તપાસ શરૂ કરી હતી.

શું કહ્યું પોલીસે?

આ વિસ્તાર નિયંત્રણ રેખા (LoC)ની નજીક આવેલો હોવાથી અગાઉ થયેલા સૈન્ય સંઘર્ષ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા મોર્ટાર શેલ અને અન્ય વિસ્ફોટક સામગ્રી ક્યારેક જમીનમાં દટાયેલી અથવા પડેલી મળી આવે છે, જે સ્થાનિક લોકો માટે ગંભીર જોખમ ઉભું કરે છે. આ દરમિયાન બારામુલ્લા પોલીસે સોશિયલ મીડિયા પર ફેલાયેલી એવી અફવાઓને ફગાવી દીધી છે કે આશા પોસ્ટ પર ભારતીય સેનાના જવાનો ઘાયલ થયા છે. પોલીસે સ્પષ્ટ જણાવ્યું કે આ માહિતી સંપૂર્ણપણે ખોટી અને પાયાવિહોણી છે તેમજ કોઈ પણ સૈનિકને ઈજા પહોંચી નથી.

પોલીસે ચેતવણી આપી છે કે ખોટી માહિતી ફેલાવી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનારાઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ લોકોને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Ram Mandir Donation Row : મહામંત્રી ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામાની ટ્રસ્ટે કરી પુષ્ટી, જાણો શું કહ્યું?


  • Follow us on: