જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લામાં ગુરુવારે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. ન્યૂ બાયપાસ પર નિર્માણાધીન પુલનો એક ભાગ અચાનક ધરાશાયી થતાં ત્યાં કામ કરી રહેલા મજૂરો તેની ચપેટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનામાં કુલ 9 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે, જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.
પુલનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં હતું
મળતી માહિતી મુજબ પુલનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં હતું અને ટૂંક સમયમાં તેને પૂર્ણ કરવાની તૈયારી ચાલી રહી હતી. જોકે, પુલ હજુ સુધી સામાન્ય લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો નહોતો. અચાનક પુલનો ભાગ તૂટી પડતાં સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમો, પોલીસ અને સ્થાનિક લોકો તરત જ સ્થળ પર પહોંચી ગયા હતા. રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને તમામ ઘાયલોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા અને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
અન્ય ઘાયલોની સારવાર હાલમાં ચાલુ
ઘાયલોમાંથી એક વ્યક્તિને કરોડરજ્જુના હાડકામાં ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. તેની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને વધુ સારવાર માટે શ્રીનગરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. અન્ય ઘાયલોની સારવાર હાલ ચાલુ છે. અકસ્માત બાદ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. પુલ કેમ તૂટી પડ્યો તેની તપાસ માટે ટેકનિકલ નિષ્ણાતોની વિશેષ ટીમની રચના કરવામાં આવી છે.
સુરક્ષા ધોરણોને લઈને ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા
આ ઘટનાએ નિર્માણકાર્યોમાં ગુણવત્તા અને સુરક્ષા ધોરણોને લઈને ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. નોંધનીય છે કે આ વર્ષે મે મહિનામાં જમ્મુના બંટલાબ વિસ્તારમાં પણ નિર્માણાધીન પુલનો એક ભાગ તૂટી પડવાની ઘટના બની હતી. બારામુલાની આ ઘટનાએ જાહેર પ્રોજેક્ટોમાં સુરક્ષા અને બાંધકામની ગુણવત્તા અંગે ચિંતા વધારી છે.
આ પણ વાંચો : Ram Mandir Donation Row : દાન ચોરી મામલે 8 લોકો સામે નામજોગ FIR દાખલ