અયોધ્યાના રામ મંદિરમાં દાનની રકમમાં થયેલી કથિત ગેરરીતિના મામલે ગુરુવારે સત્તાવાર રીતે FIR નોંધવામાં આવી છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની ફરિયાદ અને વિશેષ તપાસ ટીમ (SIT)ની ભલામણ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.


કોના કોના નામ છે સામેલ?

મળતી માહિતી અનુસાર, FIRમાં કુલ 8 લોકોના નામ સામેલ કરવામાં આવ્યા છે. જેમાં લવકુશ મિશ્રા, અનુકલ્પ મિશ્રા, રમાશંકર યાદવ, અવિનાશ શુક્લા, મનીષ યાદવ, રમાશંકર મિશ્રા, સુભાષ અને કરુણેશનો સમાવેશ થાય છે. પોલીસએ મુખ્ય આરોપી લવકુશ મિશ્રા અને અનુકલ્પ મિશ્રાની ધરપકડ કરી છે. બંને મંદિરના દાનમાં મળેલી રોકડની ગણતરી સાથે સંકળાયેલા હોવાનું જણાવવામાં આવ્યું છે.

વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો 

આ ઉપરાંત કેટલાક અન્ય આરોપીઓને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ સરકારના નિર્દેશ બાદ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. આરોપોમાં ચોરી, ગબન, છેતરપિંડી, વિશ્વાસઘાત અને ગુનાહિત કાવતરું રચવા જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે.

આ કેસ પ્રથમ વખત 7 જૂને ચર્ચામાં આવ્યો

તપાસ દરમિયાન જેમની પાસેથી રોકડ રકમ મળી આવી છે, તેઓને પણ કેસમાં નામજોગ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, આગામી દિવસોમાં વધુ ધરપકડો થઈ શકે છે. આ કેસ પ્રથમ વખત 7 જૂને ચર્ચામાં આવ્યો હતો, જ્યારે અખિલેશ યાદવે રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવેલા કરોડો રૂપિયાના દાનમાં ગેરરીતિના આરોપો લગાવ્યા હતા અને ન્યાયિક તપાસની માગ કરી હતી.

આ પણ વાંચો : LPG Supply Restrictions : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, LPG સપ્લાય પર લાગેલા તમામ પ્રતિબંધો હટાવ્યા


  • Follow us on: