મહારાજા ટ્રોફી 2026માં 25 જૂને રમાયેલી મેચમાં કોસ્ટલ કિંગ્સ મેંગલુરુએ મૈસૂર વોરિયર્સને 6 વિકેટે હરાવી મહત્વપૂર્ણ જીત નોંધાવી છે. ટીમની જીતમાં કરૂણ નાયર અને શ્રેયસ ગોપાલએ મહત્વની ભૂમિકા ભજવી.
મૈસુરુ વોરિયર્સે 20 ઓવરમાં 191 રનનો મજબૂત સ્કોર બનાવ્યો
પ્રથમ બેટિંગ કરતા મૈસુરુ વોરિયર્સે 20 ઓવરમાં 191 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ટીમ તરફથી ચેતને અડધી સદી ફટકારી હતી, જ્યારે યુવરાજ અરોરાએ 37 અને વિશાલ ઓન્તે 23 રનનું યોગદાન આપ્યું હતું.
192 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મંગલુરુની શરૂઆત સારી રહી નહોતી. ટીમે માત્ર 42 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. આ મુશ્કેલ પરિસ્થિતિમાં કરુણ નાયર અને શ્રેયસ ગોપાલે જવાબદારી સંભાળી અને ટીમને જીત તરફ દોરી ગયા.
કરુણ નાયરે ત્રીજા નંબરે બેટિંગ કરતા માત્ર 32 બોલમાં 61 રનની તોફાની ઈનિંગ રમી હતી. તેને 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. બીજી તરફ શ્રેયસ ગોપાલ અંત સુધી અણનમ રહ્યો અને 43 બોલમાં 84 રનની મેચ વિજેતા ઈનિંગ રમી હતી. તેમની ઈનિંગમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થયો હતો.
મંગલુરુએ અંતિમ ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો
બંને ખેલાડીઓએ ચોથી વિકેટ માટે માત્ર 60 બોલમાં 123 રનની મહત્વપૂર્ણ પાર્ટનરશીપ નોંધાવી હતી, જેના કારણે મંગલુરુએ અંતિમ ઓવરમાં ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. શ્રેયસ ગોપાલે માત્ર બેટિંગમાં જ નહીં પરંતુ બોલિંગમાં પણ ધૂમ મચાવી.
શ્રેયસ ગોપાલે 2 વિકેટ લીધી હતી, જ્યારે વાસુકી કૌશિકે 3 વિકેટ લઈને મૈસુરુની ઈનિંગને નિયંત્રણમાં રાખી હતી. આ જીત સાથે કોસ્ટલ કિંગ્સ મંગલુરુએ 4 મેચમાં પોતાની બીજી જીત નોંધાવી છે.
આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા