મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર CISF (સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ)ની સતર્કતાના કારણે મોટી કરન્સી સ્મગલિંગનો પર્દાફાશ થયો છે. સુરક્ષા તપાસ દરમિયાન એક વિદેશી મુસાફર પાસેથી મોટા પ્રમાણમાં વિદેશી ચલણ જપ્ત કરવામાં આવ્યું છે.
કરન્સી જાહેર કર્યા વિના લઈ જતો હતો
મળતી માહિતી અનુસાર, X-BIS સ્કેનિંગ દરમિયાન મુસાફરના બેગેજમાં શંકાસ્પદ ઈમેજ દેખાતા CISFના અધિકારીઓએ તાત્કાલિક બેગની વિગતવાર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન હેન્ડ બેગેજમાંથી મોટી માત્રામાં વિદેશી ચલણ મળી આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા મુજબ કુલ USD 1,45,000 (આશરે ₹1.39 કરોડ)ની વિદેશી કરન્સી જપ્ત કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મુસાફરે આ કરન્સી અંગે કોઈ પણ પ્રકારની માહિતી અથવા જાહેરાત કરી નહોતી, જે નિયમોના ઉલ્લંઘન તરીકે ગણાય છે.
વિદેશી નાગરિક મુંબઈથી ઇથિયોપિયાના અદિસ અબાબા જવાની તૈયારીમાં હતો
આ મુસાફર વિદેશી નાગરિક છે અને તે મુંબઈથી ઇથિયોપિયાના અદિસ અબાબા જવાની તૈયારીમાં હતો. એરપોર્ટ પર નિયમિત સુરક્ષા ચેકિંગ દરમિયાન જ આ ગેરકાયદેસર હરકતનો ખુલાસો થયો. ઘટના બાદ CISFએ તરત જ મુસાફરને કસ્ટમ્સ વિભાગને સોંપ્યો હતો, સાથે જ જપ્ત કરાયેલ તમામ વિદેશી કરન્સી પણ કસ્ટમ્સને હવાલે કરવામાં આવી હતી. કસ્ટમ્સ વિભાગ દ્વારા હવે આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
વધુ તપાસ શરૂ
અધિકારીઓનું કહેવું છે કે આ કરન્સી ક્યાંથી લાવવામાં આવી અને તેનો હેતુ શું હતો તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. તેમજ આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથે કોઈ જોડાણ છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે. આ ઘટનાએ એરપોર્ટ સુરક્ષા વ્યવસ્થાની અસરકારકતા ફરી એકવાર સાબિત કરી છે. CISFની સતર્કતાના કારણે મોટી સ્મગલિંગ અટકાવવામાં સફળતા મળી છે.
આ પણ વાંચો : Amit Shah 5 જૂને ત્રિપુરાની મુલાકાત લેશે, સરહદ સુરક્ષાની કરશે સમીક્ષા