મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કસ્ટમની ટીમે એરપોર્ટ પર ગાંજા અને સોનાની મોટી દાણચોરીનો પર્દાફાશ કર્યો છે. ટીમે બે અલગ અલગ કેસમાં મોટી કાર્યવાહી પણ કરી છે અને અંદાજે રૂપિયા 6 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ સતત દાણચોરી કરતી ગેંગ સામે કાર્યવાહી કરી રહ્યું છે.
દાણચોરીના બે અલગ અલગ કેસોમાં મોટો મુદ્દામાલ જપ્ત
દાણચોરીના પહેલા કેસની વાત કરીએ તો 3 અને 4 ઓગસ્ટ 2025ના રોજ ફરજ દરમિયાન, મુંબઈ કસ્ટમ્સના એરપોર્ટ કમિશનરેટે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (CSMI એરપોર્ટ) પર દાણચોરીના બે અલગ અલગ કેસોમાં મોટો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઓપરેશનમાં લગભગ 5.02 કિલો ગાંજા (હાઈડ્રોપોનિક વીડ) અને 1.51 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે, જેની કુલ અંદાજિત કિંમત 6.41 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. બંને કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
દાણચોરી સંબંધિત મુખ્ય કેસો
કેસ 1: એક ટ્રાન્ઝિટ પેસેન્જરે 24 કેરેટ સોનું એરપોર્ટ સ્ટાફને સોંપી દીધું હતું. જોકે, એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU) ના સતર્ક અધિકારીઓએ એરપોર્ટ સ્ટાફને અટકાવ્યો અને શોધખોળ દરમિયાન સોનું જપ્ત કર્યું. આરોપી એરપોર્ટ સ્ટાફની કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
કેસ 2: બેંગકોકથી મુંબઈ આવી રહેલા એક મુસાફરની તપાસ દરમિયાન, તેની ટ્રોલી બેગમાંથી વેક્યુમ સીલબંધ પ્લાસ્ટિક પેકેટમાં છુપાયેલો લગભગ 5.027 કિલો ગાંજો મળી આવ્યો. જપ્ત કરાયેલ સામગ્રી લીલા ગઠ્ઠાના રૂપમાં હતી, જે કથિત રીતે હાઈડ્રોપોનિક વીડ (હાઇડ્રોપોનિક વીડ\મારિજુઆના) છે. આરોપીની NDPS એક્ટ, 1985 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. હાલમાં, તપાસ ચાલી રહી છે અને બંને કેસોને ગંભીર દાણચોરીની શ્રેણી હેઠળ લઈને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
29-30 જુલાઈના રોજ પણ કાર્યવાહી કરાઈ હતી
તમને જણાવી દઈએ કે મુંબઈ એર કસ્ટમ્સે (એરપોર્ટ કમિશનરેટ) 29 અને 30 જુલાઈના રોજ ફરજ દરમિયાન લગભગ 8.012 કિલો હાઈડ્રોપોનિક ગાંજા જપ્ત કરીને મોટી સફળતા મેળવી હતી, જેની ગેરકાયદેસર બજાર કિંમત આશરે 8 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ કાર્યવાહી કુલ 4 કેસોમાં કરવામાં આવી હતી, જેમાં ચાર મુસાફરોની ધરપકડ કરવામાં આવી છે.