ઝારખંડમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઇ હતી. ઘટના સ્થળેથી AK-47 સહિત અન્ય હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે.
સુરક્ષાદળો તરફથી સતત અભિયાન
ઝારખંડને નક્સલીમુક્ત અને ઉગ્રવાદમુક્ત કરવા માટે સુરક્ષા દળોએ કડક કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યભરમાં સુરક્ષાદળો તરફથી સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. ગુમલા જિલ્લામાં બિશનપુર થાણા ક્ષેત્રના કેચકીના રોગરી ટોલીના જંગલોમાં અથડામણ થઇ હતી. જેમાં સુરક્ષા દળોએ 3 નક્સલીઓને ઠાર માર્યા હતા.
પોલીસ પર કરાયુ ફાયરિંગ
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન ઝારખંડ જન મુક્તિ પરિષદના ઉગ્રવાદી મોટી ઘટનાને અંજામ આપવા માટે ષડયંત્ર કરી રહ્યા હતા. જે બાદ ગુમલા પોલીસ અને ઝારખંડ જગુઆરની સંયુક્ત ટીમે વિસ્તારમાં સર્ચ ઓપરેશન અભિયાન હાથ ધર્યુ હતુ. સર્ચ અભિયાન દરમિયાન ઉગ્રવાદીઓએ અચાનક પોલીસ પર ફાયરિંગ શરુ કર્યુ હતુ. જેની સામે સુરક્ષાદળોએ પણ ફાયરિંગ કર્યુ હતુ. અને 3 નક્સલીઓને ઠાર માર્યા હતા.
ઘટના સ્થળેથી હથિયારો જપ્ત
ઠાર મરાઇ ગયેલા ઉગ્રવાદીઓમાં બે સબ-ઝોનલ કમાંડર સામલે છે. જેમની ઓળખ લાલૂ લોહાર અને છોટુ ઉરાંવના રૂપમાં કરવામાં આવી છે. ઠાર મરાયેલા બે નક્સલીઓ પર 5-5 લાખનું ઇનામ રાખવામાં આવ્યુ હતુ. ઘટના સ્થળેથી AK-47 સહિત અન્ય હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. ઠાર મારવામાં આવેલા સબ-ઝોનલ કમાંડર લાલૂ લોહાર લોહારદગા જિલ્લાનો નિવાસી હતો. તો છોટૂ ઉરાંવ લાતેહારનો રહેવાસી હતો. ત્રીજો ઉગ્રવાદી સુજીત ઉરાંવ પણ લાતેહાર જિલ્લાનો રહેવાસી હતો.













