રાજા રઘુવંશી હત્યા પ્રકરણમાં થઇ રહેલા ખુલાસાથી સમગ્ર કેસ અલગ દિશામાં જઇ રહ્યો છે. સોનમ અને તેનો પ્રેમી રાજ કુશવાહા મેઘાલયની જેલમાં બંધ છે. તો ઇન્દોરમાં મૃતક રાજા રઘુવંશીના ઘરે એક યુવકે દસ્તક આપતા ફરી ચકચાર જોવા મળી હતી. મૃતક રાજા અને આરોપી સોનમનો પરિવાર હાલ દેશભરમાં ચર્ચાનો વિષય છે.


શંકાસ્પદ યુવકની હાજરીથી ખળભળાટ

ઇન્દોરમાં રાજાના ઘરે RPFમાંથી સસ્પેન્ડ કરાયેલો હેડ કોન્સ્ટેબલ પહોંચ્યો હતો. તેણે પોલીસ અધિકારીનો ગણવેશ પહેર્યો હતો. તેણે રાજાના પરિવારને અમુક પ્રશ્ન પૂછ્યા હતા. પરંતુ તેના વર્તનથી પરિવારજનોને શંકા જતા તેઓએ પોલીસને ફોન કર્યો હતો. અને બાદમાં આ યુવકની પોલીસે પૂછપરછ કરી હતી. રાજાના ભાઇ વિપિને કહ્યુ હતુ કે, પોલીસકર્મીની ઓળખ આપીને એક શંકાસ્પદ યુવક તેમના ઘરમાં ઘુસ્યો હતો. અને તે અહીં આવીને કેસ અંગે પૂછપરછ કરવા લાગ્યો હતો. પરંતુ તેના પર શંકા જતા તેઓ પોલીસને જાણ કરી હતી. અને શંકાસ્પદ યુવક વિશે જણાવ્યુ હતુ. પોલીસે યુવકની અટકાયત કરી હતી. અને તેની પૂછપરછ હાથ ધરી હતી. યુવકનું નામ ભજનલાલ છે. તે રાજસ્થાનનો નિવાસી છે. આરપીએફમાં હેડ કોન્સ્ટેબલની ફરજ બજાવતો હતો. પરંતુ તેના વિરુદ્ધ ફરિયાદો કરાતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. સસ્પેન્શન બાદ તે ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. અને પોલીસનો યુનિફોર્મ પહેરીને ફરતો હતો. પોલીસે આરપીએફમાં યુવક મામલે માહિતી આપી છે. અને આગામી તપાસ હાથ ધરી છે.

પોલીસે આગામી તપાસ હાથ ધરી

પૂછપરછ દરમિયાન, RPFમાંથી બરતરફ કરાયેલા હેડ કોન્સ્ટેબલ ભજનલાલે કહ્યું હતુ કે, હું રાજા રઘુવંશીનો મિત્ર હતો. હું પહેલા પણ ઘણી વખત રાજા રઘુવંશીને મળ્યો હતો. પરંતુ જ્યારે રાજા રઘુવંશીની હત્યા થઈ, ત્યારે કેટલાક કારણોસર હું શોક વ્યક્ત કરવા માટે તેમના ઘરે પહોંચી શક્યો નહીં. આજે હું ઉજ્જૈનની મુલાકાત લીધા પછી રાજા રઘુવંશીના ઘરે પહોંચ્યો હતો. હું ફક્ત રાજાના પરિવાર પ્રત્યે શોક વ્યક્ત કરવા આવ્યો હતો. રાજા રઘુવંશીના પરિવારને તેના પર શંકા હતી, જેના કારણે આ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. હાલમાં, પોલીસે સમગ્ર મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે કહ્યું- અમે તેની પૂછપરછ કરી રહ્યા છીએ કે તેણે રાજાને મળવા માટે આ પદ્ધતિ કેમ અપનાવી. તે આ રીતે પણ તેને મળવા આવી શકે છે.


  • Follow us on: