રાજા રઘુવંશી હત્યા કેસમાં વધુ એક મોટો વળાંક જોવા મળ્યો છે. મૃતક રાજાના પરિવારે હવે આરોપ લગાવ્યો છે કે આરોપી સોનમ અને તેનો પ્રેમી રાજ કુશવાહા ડ્રગ્સ લેતા હતા. આ ખુલાસો રાજાના ભાઈ વિપિન રઘુવંશીએ કર્યો છે. તેઓએ જણાવ્યુ છે કે, રાજ લાંબા સમયથી ડ્રગ્સનો શિકાર હતો અને સોનમ પણ તેની સાથે ડ્રગ્સ લેતી હતી. વિપિન રઘુવંશીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, "રાજ અને સોનમ બંને ડ્રગ્સ લેતા હતા. તેમનો ભાઇ રાજા વ્યવસ્થિત અને જવાબદાર વ્યક્તિ હતો. પરંતુ તેની હત્યા એક ખતરનાક ષડયંત્ર હેઠળ કરવામાં આવી હતી.


નાર્કો ટેસ્ટની માંગણી ઉઠી

વિપિને વધુમાં કહ્યું કે હવે જ્યારે આનંદ અને આકાશ જેવા આરોપીઓએ પોતાના નિવેદનો બદલી નાખ્યા છે. ત્યારે આશંકા વધુ ઘેરી બને છે કે, ભવિષ્યમાં રાજ અને સોનમ પણ પોતાના નિવેદનો બદલી શકે છે. આવી સ્થિતિમાં, ફક્ત મૌખિક કબૂલાત કે નિવેદનો પર આધાર રાખવો ખોટું હશે. મૃતક રાજાના પરિવારનું કહેવું છે કે તેઓ શરૂઆતથી જ તમામ આરોપીઓના નાર્કો ટેસ્ટની માંગ કરી રહ્યા છે. વિપિન કહે છે, "જો પૂછપરછ થર્ડ ડિગ્રી અને નાર્કો ટેસ્ટથી કરવામાં આવે, તો કોઈ પણ આરોપી સત્યથી ભાગી શકે નહીં.

નિવેદનો બદલવામાં આવી રહ્યા છેઃ વિપિન

હાલમાં આરોપીઓ પોતાના નિવેદનો બદલી રહ્યા છે. પરંતુ નાર્કો ટેસ્ટ પછી તેઓ સત્યથી પાછળ હટી શકશે નહીં." પરિવારે પોલીસ વહીવટીતંત્ર અને કોર્ટને આ કેસની સંવેદનશીલતાને સમજવા અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા અને નાર્કો ટેસ્ટ જેવી વૈજ્ઞાનિક તપાસ દ્વારા વાસ્તવિક કાવતરાના તળિયે પહોંચવા માટે અપીલ કરી છે. રાજા હત્યા કેસ ફક્ત એક પારિવારિક હત્યા નથી. પરંતુ ઊંડા માનસિક, સામાજિક અને ગુનાહિત મિશ્રણની વાર્તા બની રહી છે. હવે જોવાનું એ રહે છે કે પોલીસ આ નવા આરોપોની કેવી રીતે તપાસ કરે છે અને નાર્કો ટેસ્ટની માંગને ગંભીરતાથી લેવામાં આવે છે કે નહીં. 

  • Follow us on: