દેશમાં ઘણી વાર એવા બનાવ બને છે કે તે બનાવો વિશે જાણીને તમારું મગજ અચૂક ચકરાવે ચડી જાય છે. આવો જ એક બનાવ બહાર આવ્યો છે. જ્યાં એક યુવક 10 વર્ષ સુધી પોલીસ યુનિફોર્મ પહેરીને કોન્સ્ટેબલ રહ્યો અને પછી સબ-ઇન્સ્પેક્ટર બન્યો પણ કોઇને ગંધ સુદ્ધા ના આવી અને તે બિન્ધાસ્ત બની લોકોને છેતરતો રહ્યો. નવાઇની વાત એ છે કે નકલી પીએસઆઇના ખોટા સ્ટેટસના આધારે તેણે લગ્ન પણ કરી લીધા તથા તેની પત્નીથી લઈને સાસરિયા સુધી કોઇને શંકા પણ ગઇ ન હતી.


નકલી પોલીસને ઓળખતા અસલી પોલીસને દાયકો લાગ્યો

આ વાત ઉત્તર પ્રદેશની છે જ્યાં આઝાદસિંહ જાદૂન નામનો કૌશામ્બીનો રહેવાસી યુવાન દસ વર્ષ સુધી નકલી પોલીસ અધિકારીનું આવું નાટક કરતો રહ્યો, અને પોલીસને તેને પકડવામાં એક દાયકા લાગી ગયો. યુનિફોર્મ અને નકલી ઓળખનો ખેલ એવો હતો કે સાસરિયાઓ પણ પાંચ વર્ષ સુધી માનતા હતા કે તેમની પુત્રીના લગ્ન એક વાસ્તવિક સબ-ઇન્સ્પેક્ટર સાથે થયા છે.

તેણે પોલીસ સ્ટેશન પાસે જ એક રુમ ભાડે લઇ લીધી

2015માં આઝાદે પોતે જ્યાં જાય ત્યાં પોતે પોલીસ કોન્સ્ટેબલ હોવાનું જણાવાનું શરુ કર્યું હતું અને તે પોલીસ કોન્સ્ટેબલનો યુનિફોર્મ પણ પહેરતો હતો જેથી લોકને વધારે શંકા ના ગઇ. તેણે પોલીસ સ્ટેશન પાસે જ એક રુમ ભાડે લઇ લીધી હતી. દરરોજ યુનિફોર્મ પહેરીને બહાર જતો હતો. આસપાસના લોકો તેને પોલીસ માનવા લાગ્યા.

નકલી પ્રમોશન મેળવીને તે નકલી સબ-ઇન્સ્પેક્ટર બન્યો

પાંચ વર્ષ પછી, એટલે કે 2020 માં, તેણે જાતે જ પોતાને સબ-ઇન્સ્પેક્ટર જાહેર કર્યો. તેણે નવો યુનિફોર્મ સીવડાવ્યો અને પીએસઆઇનો બેજ પણ મેળવ્યો અને લોકોને કહેવા લાગ્યો કે તેને બઢતી મળી ગઈ છે. અહીંથી, તેની છેતરપિંડીનો વ્યાપ વધવા લાગ્યો. હવે તે લોકોને ડરાવવા જ નહીં, પણ વાહન ચાલકો પાસેથી પૈસા પડાવવા અને પોલીસમાં નોકરી અપાવવાના નામે લાખોની છેતરપિંડી કરવાનું પણ શરૂ કર્યું.

તેણે નકલી સ્ટેટસ પર લગ્ન પણ કર્યા

આઝાદનો સબ-ઇન્સ્પેક્ટર બનવાનો ઢોંગ એટલો જોરદાર અને અસરકારક હતો કે અમોલી ગામના જયવીર સિંહે 2019 માં તેની પુત્રી સુજાતાના લગ્ન તેની સાથે કરાવી દીધા. પરિવારને લાગ્યું કે તેમની પુત્રી એક જવાબદાર પોલીસ અધિકારીની પત્ની બનશે. સાસરિયાઓએ ક્યારેય જમાઈ પર શંકા કરી નહીં, કારણ કે દર વખતે તે યુનિફોર્મમાં આવતો અને કહેતો કે મને ખાસ તપાસ પર રાખવામાં આવ્યો છે, તેથી હું પોલીસ સ્ટેશન જતો નથી. પત્નીને પણ એવો ભ્રમ હતો કે તેનો પતિ સબ-ઇન્સ્પેક્ટર છે. લગ્ન પછી, સુજાતા વર્ષો સુધી એ જ જુઠ્ઠાણાને સાચું માનતી હતી.

સાળા સૌરભ સિંહને પણ તેની આ નકલી રમતમાં સામેલ કર્યો

સૌથી ચોંકાવનારી વાત એ છે કે આઝાદે તેના સાળા સૌરભ સિંહને પણ તેની આ નકલી રમતમાં સામેલ કર્યો. તેણે તેને પોતાનો અનુયાયી બનાવ્યો અને રસ્તા પર ગાડીમાં બેસાડીને પૈસા પડાવવાનું શરૂ કર્યું. સૌરભ તેના સાળાના દરજ્જાથી એટલો પ્રભાવિત થયો કે તેણે પાંચ વર્ષ સુધી ક્યારેય કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં. તે જ્યાં પણ જતો, તે લોકોને કહેતો કે આ મારો જમાઇ પીએસઆઇ સાહેબ છે. ગામમાં સમાચાર ફેલાઈ ગયા કે જયવીરનો જમાઈ દરોગા છે. લોકો હવે તેને સલામ કરવા લાગ્યા.

છેતરપિંડીનું સામ્રાજ્ય વધતું ગયું

હવે તો આઝાદની હિંમત વધતી ગઇ હતી અને તે બિન્ધાસ્ત બનીને વાહન ચાલકોને રોકીને ચલણ આપવાનું નાટક કરીને પૈસા પડાવા લાગ્યો હતો તો તેણે ઘણાને નોકરી અપાવાની પણ લાલચ આપી હતી. ઘણા પરિવારોએ આ આશામાં પૈસા આપ્યા કે તેમનો દીકરો કે સંબંધી પોલીસમાં ભરતી થશે. પરંતુ વાસ્તવિકતા ફક્ત છેતરપિંડી હતી. સાસરિયાઓ પણ ક્યારેય તેના પર શંકા કરી શક્યા નહીં. તેનાથી વિપરીત, તેમને ગર્વ હતો કે તેમનો જમાઈ તે વિસ્તારમાં પીએસઆઇ હતો અને બધા તેમનો આદર કરતા હતા.

એક ભૂલથી રહસ્ય ખુલી ગયું

આ નાટક દસ વર્ષ સુધી ચાલ્યું. પરંતુ એવું કહેવાય છે કે છેતરપિંડી કરનાર ગમે તેટલો હોશિયાર હોય, એક દિવસ સત્ય બહાર આવે જ છે. એવું બન્યું કે સજેતીમાં ચોરી થઈ. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અવધેશ સિંહ તેમની ટીમ સાથે તપાસ માટે ત્યાં પહોંચ્યા. ત્યાં લોકોએ ફરિયાદ કરી કે સાહેબ, અહીં એક સબ-ઇન્સ્પેક્ટર કારમાં ફરે છે, વાહનો રોકે છે અને પૈસા પડાવે છે. પોલીસ અધિકારી ચોંકી ગયા. કાગળ પર આવા કોઈ સબ-ઇન્સ્પેક્ટર પોસ્ટ કરવામાં આવ્યા ન હતા. પછી નામ બહાર આવ્યું - આઝાદ સિંહ, ફ્રેન્ડ્સ કોલોની પોલીસ સ્ટેશન, ઇટાવા.

આ નામનો કોઈ સબ-ઇન્સ્પેક્ટર અહીં ક્યારેય પોસ્ટ કરવામાં આવ્યો નથી

પોલીસ અધિકારી અવધેશ સિંહ પહેલા ઇટાવામાં નોકરી કરતા હતા. તેમણે તરત જ તેમના સૂત્રો પાસેથી પુષ્ટિ મેળવી. જવાબ આવ્યો કે આ નામનો કોઈ સબ-ઇન્સ્પેક્ટર અહીં ક્યારેય પોસ્ટ કરવામાં આવ્યો નથી.

નકલી યુનિફોર્મની સાચી ઓળખ બહાર આવી

પોલીસ આઝાદને પકડીને પોલીસ સ્ટેશન લાવી. તે તેના સાળા સૌરભ સાથે યોગ્ય યુનિફોર્મ પહેરીને પહોંચ્યો. તેણે પોતાની હરકતોથી પોતાને સબ-ઈન્સ્પેક્ટર સાબિત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસ અધિકારીને શંકાસ્પદ લાગ્યું. જ્યારે ઘરની તપાસ કરવામાં આવી ત્યારે ત્યાં ઘણા નકલી યુનિફોર્મ, બેલ્ટ અને પોલીસ સંબંધિત વસ્તુઓ મળી આવી. પૂછપરછ દરમિયાન તેણે પોતાનો ખેલ ખોલી કાઢ્યો હતો

ધરપકડ અને ખુલાસો

પોલીસે નકલી સબ-ઈન્સ્પેક્ટર આઝાદ સિંહ અને તેના સાળા સૌરભની ધરપકડ કરી. પૂછપરછ દરમિયાન, એવું બહાર આવ્યું કે તે 2015 થી નકલી કોન્સ્ટેબલ અને 2020 થી નકલી ઈન્સ્પેક્ટર તરીકે પોતાને રજૂ કરીને લોકોને છેતરતો હતો. અસલી પોલીસે કહ્યું કે તેની સૌથી મોટી યુક્તિ એ હતી કે તે ક્યારેય પોલીસ સ્ટેશનમાં બેઠો ન હતો. તે કહેતો હતો કે તે ખાસ તપાસ પર છે. આ બહાને, તેણે વર્ષો સુધી બધાને મૂર્ખ બનાવ્યા.

સાસરિયાઓ અને ગામમાં આશ્ચર્ય

જ્યારે આ સત્ય બહાર આવ્યું, ત્યારે સાસરિયાઓ અને ગામ બંનેમાં ખળભળાટ મચી ગયો. સુજાતાનો પરિવાર તો કહે છે, અમને ગર્વ હતો કે અમારી દીકરી એક ઇન્સ્પેક્ટરના ઘરે ગઈ છે. હવે લાગે છે કે અમને છેતરવામાં આવ્યા હતા. ગામના લોકો કહી રહ્યા છે કે યુનિફોર્મ જોઈને અમે અંધ થઈ ગયા હતો અને કોઈને ક્યારેય કાગળો કે ઓળખ માંગવાની જરૂર જણાઈ ન હતી.

  • Follow us on: