મુંબઈથી ઉત્તરપ્રદેશ જતી કુશીનગર એક્સપ્રેસ ટ્રેનના એસી કોચના બાથરૂમમાં ડસ્ટબિનની અંદરથી અંદાજે પાંચ વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવતાં ટ્રેનમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના ટ્રેન નં. 22537 (એલટિટિ કુશીનગર એક્સપ્રેસ)ના B2 કોચમાં ઘટના બનતાં મુસાફરોમાં હડકંપ મચ્યો હતો અને તાત્કાલિક રેલવે અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.
ટ્રેનના મુસાફરોમાં હડકંપ મચ્યો
AC કોચ B2 ના બાથરૂમમાં મુકાયેલા ડસ્ટબિનમાં શંકાસ્પદ રીતે બાળકનો મૃતદેહ જોવા મળતાં મુસાફરોમાં તાત્કાલિક રેલવે પોલીસ અને સ્ટાફને જાણ કરી. ઘટના મળતાં જ અધિકારીઓ તાત્કાલિક ટ્રેનમાં પહોંચી ગયા અને તપાસ શરૂ કરી. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આ બાળકનું અપહરણ કરાયું હતું.
બાળકીનું અપહરણ કરીને હત્યા?
શરુઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે બાળકીનું અપહરણ તેના જ એક સંબંધીએ કર્યું હતું. પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ, માસિયાયી ભાઈ જેવા નજીકના જ સંબંધી ધરાવનાર વ્યક્તિ પર મુખ્ય શંકા છે. બાળકીના મૃતદેહને છુપાવી દેવાના ઇરાદાથી મૃતદેહ ટ્રેનના બાથરૂમમાં ડસ્ટબિનમાં છુપાવી દેવાયો હતો.
બાળકીનો પરિવાર સુરતનો
બીજી તરફ મૃતક બાળકીનો પરિવાર સુરતમાં રહેતો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. આરોપી પણ નજીકનો સંબંધી જ છે અને તેણે પહેલાં સુરતથી બાળકનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તે નાસિક પહોંચ્યો હતો. ત્યાંથી તેણે કુશીનગરની ટ્રેન પકડી હતી અને મુસાફરી દરમિયાન જ માસુમ બાળકની હત્યા કરી હોવી જોઇએ અને ત્યારબાદ તે ટ્રેનમાંથી ફરાર થઇ ગયો હતો
પોલીસ અને રેલવેની સંયુક્ત તપાસ
ઘટનાના પગલે પોલીસ અને રેલવે દ્વારા સંયુક્ત રીતે તપાસ શરુ કરી દેવાઇ છે. ટ્રેન રોકાવીને પોલીસે B2 કોચની સઘન તપાસ કરી હતી અને ટ્રેનના મુસાફરોના નિવેદન લેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા CCTV ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે તો કોચમાં ક્યા ક્યા સ્ટેશન પરથી કોણ-કોણ ચડ્યું અને ઉતર્યું છે તે સહિતના બાબતોની તપાસ કરવામાં આવી રહી છે તો બીજી તરફ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને પોલીસ હાલ અપહરણ તથા હત્યાના એંગલથી તપાસ ચાલી રહી છે.
અધિકારીઓનું નિવેદન
પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના અત્યંત ગંભીર છે. અમે તમામ દિશામાં તપાસ કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં આરોપીની ઓળખ અને ધરપકડ માટે ચોક્કસ પગલાં લેવાશે.