ચક્રવાત મોંથા નબળુ પડવા છતા દેશના અનેક રાજ્યોમાં ભારે તબાહી મચાવી રહ્યુ છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઓડિશામાં સૌથી વધારે નુકસાન થવા પામ્યુ છે. આંધ્રમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 1.5 લાખ એકર પાક બરબાદ થઇ ગયો છે અને પ્રાંરભિક અનુમાન અનુસાર 5,265 કરોડ રૂપિયાનુ નુકસાન થયુ છે. તેલંગાણામાં ભારે વરસાદથી વારંગલ અને હનમકોંડામાં બે હજાર લોકોને રાહત શિબિરમાં પહોંચાડવામાં આવ્યા છે.
મોંથા નબળુ પડવા છતાં વરસાદની તબાહી
ચક્રવાત મોંથા સતત નબળુ પડી રહ્યુ છે પરંતુ તેની અસર અન્ય બીજા રાજ્યોમાં પણ જોવા મળી રહી છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઓડિશામાં ચક્રવાતે ભારે નુકસાન કર્યુ છે. આંધ્રપ્રદેશમાં ત્રણ લોકોના મોત પણ નીપજી ચૂક્યા છે. 42 પશુઓના મોત નીપજ્યા છે અને આશરે 1.5 લાખ એકરમાં ઉભો પાક બરબાદ થઇ ગયો છે. તેલંગાણામાં અનેક ભાગોમાં ભારે વરસાદ હજુ પણ ચાલુ છે. સૂર્યાપેટમાં ઝાડ પડવાથી એક બાઇક સવારનુ મોત નીપજ્યુ છે. ખમ્મમ જિલ્લામાં એક ટ્રક ડ્રાઇવરના વહી જવાના પણ સમાચાર સામે આવ્યા છે. ચક્રવાત મોંથાની અસર ઉત્તર ભારતના અનેક રાજ્યો પર જોવા મળી રહી છે.
બિહાર અને ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદ શરૂ
મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ ભારે વરસાદ ચાલુ છે. બુધવારે યુપીના અયોધ્યા,લખનઉ-કાનપુર સહિત 15 શહેરોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. તો કાશીમાં વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પણ પાણી ભરાયાના સમાચાર સામે આવ્યા છે. ભોપાલ, ઇન્દોર, ઉજ્જૈનમાં જોરદાર હવાને કારણે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. રાજસ્થાનના જયપુર, અલવર, કરૌલી સહિત અનેક જિલ્લામાં સવારથી જ ઝરમર વરસાદ વરસી રહ્યો છે. તો બીજી તરફ મોંથાની અસર હાલ નેપાળમાં વધારે જોવા મળી રહી છે. મોંથાને કારણે ત્યાં સતત વરસાદ અને બરફવર્ષ ચાલુ જ છે.
નેપાળમાં ભારે વરસાદની ચેતવણી
નેપાળમાં હવામાન વિભાગે 26 જિલ્લામાં પૂર અને ભૂસ્ખ્લનનુ એલર્ટ જાહેર કર્યુ છે. કોશી, મધેશ અને બાગમતી પ્રાંતોની નદીઓમાં જળસ્તર વધારે વધવાની આશંકા જતાવવામાં આવી રહી છે. હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવા અને નદી કિનારાના વિસ્તારોથી દૂર રહેવાની અપીલ પણ કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એ પણ જણાવ્યુ કે અરબ સાગરના પૂર્વ મધ્ય ભાગમાં વધુ એક દબાણનુ ક્ષેત્ર સક્રિય છે. પૂર્વ મધ્ય અરબ સાગરમાં બનાવવામાં આવેલુ દબાણનુ ક્ષેત્ર છેલ્લાં 6 કલાકમાં પશ્ચિમ તરફ 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વધી રહ્યુ છે. આગામી 36 કલાક પણ હજુ ભારે છે.