દિલ્હી વિધાનસભાને બોમ્બથી ઉડાવાની ધમકી મળી છે. વિધાનસભા અધ્યક્ષને ધમકી ભર્યો ઇમેઇલ મળ્યો. દિલ્હી પોલીસને સોમવારે એક ઇમેઇલ મળ્યો જેમાં દિલ્હી વિધાનસભા અને લાલ કિલ્લાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, જે કથિત રીતે ખાલિસ્તાની જૂથ તરફથી હતો. પોલીસ અને સાયબર સેલ આ ધમકીની તપાસ કરી રહ્યા છે. 


દિલ્હી પોલીસે હાથ ધરી તપાસ 

દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે સર્ચ ઓપરેશનમાં કંઈ ખતરનાક કે હાનિકારક મળ્યું નથી, પરંતુ તમામ જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ધમકીભર્યા ઈમેલની તપાસ કરવામાં આવી રહી છે અને તે કોણે અને ક્યાંથી મોકલ્યો છે તે નક્કી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ બાબતને ગંભીરતાથી લેતા, સાયબર સેલ પણ તપાસ કરી રહ્યું છે. સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.


શાળાને પણ મળી હતી આજે ધમકી 

દિલ્હીની બે શાળાઓમાં પણ બોમ્બની ધમકીઓ મળી હતી. દિલ્હી કેન્ટોનમેન્ટમાં આવેલી આર્મી પબ્લિક સ્કૂલને સોમવારે સવારે બોમ્બની ધમકી આપતો ઈમેલ મળ્યો હતો, જેના કારણે સાવચેતીના ભાગ રૂપે શાળા ખાલી કરાવવામાં આવી હતી અને કેમ્પસની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. અધિકારીઓએ બાદમાં જણાવ્યું હતું કે કંઈ શંકાસ્પદ મળ્યું નથી. દિલ્હી ફાયર સર્વિસ (DFS) ના અધિકારીના જણાવ્યા અનુસાર, સવારે 8:50 વાગ્યે ધમકીની જાણ કરવામાં આવી હતી, જેના પગલે ફાયર વિભાગ, બોમ્બ ડિટેક્શન ટીમ (BDT), બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.


  • Follow us on: