દેશની રાજધાની દિલ્હીના જંતર-મંતર પર પરીક્ષાઓમાં કથિત ગડબડ અને પેપર લીકના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓના આંદોલનમાં શનિવાર સાંજે મોટો વહીવટી વળાંક આવ્યો. 'કોકરોચ જનતા પાર્ટી (CJP)' દ્વારા વિરોધ પ્રદર્શનનો સમય વધારવાની માગ નકારવામાં આવ્યા બાદ દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓને સ્થળ પરથી હટાવવાની કાર્યવાહી શરૂ કરી.

બળપ્રયોગ વગર કાર્યવાહી કરાઈ

મળતી માહિતી મુજબ, દિલ્હી પોલીસની મોટી સંખ્યામાં ટીમ જંતર-મંતર પર તૈનાત થઈ હતી. પોલીસે ત્યાં હાજર વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ રીતે સ્થળ છોડાવવા શરૂ કર્યું હતું. સકારાત્મક વાત એ રહી કે સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ બળપ્રયોગ કરવામાં આવ્યો નહોતો. પોલીસની આ કાર્યવાહી બાદ મોટાભાગના વિદ્યાર્થીઓ ધીમે ધીમે સ્થળ છોડીને જતા રહ્યા હતા.

https://twitter.com/CJP_for_India/status/2068299440058986855

મુખ્ય મંચ પર હાઈ-વોલ્ટેજ ડ્રામા

જોકે, મુખ્ય મંચ પર હજુ પણ થોડો હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. CJPના સ્થાપક અભિજીત દીપકે અને AISA સાથે જોડાયેલા કેટલાક વિદ્યાર્થી નેતાઓ મંચ પર જ હાજર રહ્યા હતા. અગાઉ પ્રદર્શનને સંબોધતા દીપકે કહ્યું હતું કે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પ્રદર્શનને આગળ વધારવાની મંજૂરી આપવામાં આવે.

શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ 

તેમણે સરકારને ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો જરૂરી થયું તો તેઓ ધરપકડ આપવા તૈયાર છે અને આંદોલન ત્યારે જ સમાપ્ત થશે જ્યારે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપશે. પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ થાળી-ચમચી વગાડી, ‘કોકરોચ માસ્ક’ પહેરી અને પારદર્શક પરીક્ષાની માગ સાથે પ્લેકાર્ડ લઈને વિરોધ નોંધાવ્યો હતો. હાલ જંતર-મંતર વિસ્તારમાં પોલીસ તહેનાત છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

આ પણ વાંચો : NEET-UG 2026: અબુધાબી સેન્ટર વિવાદ પર NTAનું સ્પષ્ટીકરણ, કહ્યું 'વિદ્યાર્થીના લોગિનથી બદલાયું હતું શહેર'