નાગપુરના એક NEET-UG 2026 ઉમેદવારને અબુ ધાબીમાં પરીક્ષા સેન્ટર ફાળવવામાં આવ્યા બાદ ઉભા થયેલા વિવાદ પર નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ પોતાનું સ્પષ્ટીકરણ આપ્યું છે. NTA મુજબ તેની સત્તાવાર વેબસાઈટના વેબ-એક્ટિવિટી રેકોર્ડમાં દર્શાવવામાં આવ્યું છે કે ઉમેદવારના રજિસ્ટર્ડ લોગિન મારફતે જ એક્ઝામ સિટી બદલવામાં આવી હતી.


99.5 ટકા વિદ્યાર્થીઓને તેમની પસંદગીની સિટી મળી

એજન્સીએ જણાવ્યું કે પરીક્ષા 21 જૂને રીશેડ્યૂલ થયા બાદ વિદ્યાર્થીઓની સુવિધા માટે એક્ઝામ સિટી કરેકશન વિન્ડો ફરીથી ખોલવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન લગભગ 3.2 લાખ ઉમેદવારોએ તેનો ઉપયોગ કર્યો હતો, જેમાંથી 99.5 ટકા વિદ્યાર્થીઓને તેમની પસંદગીની સિટી મળી ગઈ હતી.

ઉમેદવારના લોગિનમાં ત્રણ અલગ અલગ વખત અબુ ધાબી સેન્ટર દેખાયું

NTAના જણાવ્યા મુજબ ઉમેદવારના લોગિનમાં ત્રણ અલગ અલગ વખત અબુ ધાબી સેન્ટર દેખાયું હતું. એક વખત તેમના ID મારફતે જ સિટી બદલીને અબુ ધાબી કરવામાં આવી હતી અને અન્ય બે વખત પણ અબુ ધાબી સેન્ટરનું પ્રીવ્યુ જોવા મળ્યું હતું. ત્યારબાદ 19 જૂનની સાંજે, પરીક્ષાના લગભગ 48 કલાક પહેલા, અબુ ધાબીથી નાગપુર સેન્ટર બદલવા માટે અનૌપચારિક વિનંતી મળી હતી.

પરિવાર દ્વારા ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા

એજન્સીએ કહ્યું કે આ વિનંતી મળ્યા બાદ તાત્કાલિક કાર્યવાહી કરીને ઉમેદવારને નાગપુરમાં સેન્ટર ફાળવવામાં આવ્યું હતું. NTAએ સ્પષ્ટ કર્યું કે તેની નીતિ 'સ્ટુડન્ટ-ફર્સ્ટ' છે અને કોઈપણ વિદ્યાર્થી પરીક્ષા પ્રક્રિયાથી વંચિત ન રહે તે તેની પ્રાથમિકતા છે. આ વિવાદ ત્યારે સામે આવ્યો જ્યારે નાગપુરના વિદ્યાર્થીને શરૂઆતમાં અબુ ધાબી સેન્ટર ફાળવવામાં આવ્યું હતું, જેને લઈને પરિવાર દ્વારા ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. હવે NTAના સ્પષ્ટીકરણ બાદ સમગ્ર મામલો વધુ ચર્ચામાં છે.

આ પણ વાંચો : Maharashtra: પરભણીમાં મારૂતિ મંદિરના સભા મંડપની છત થઈ ધરાશાયી, 7 લોકોના થયા મોત



  • Follow us on: