મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના માનવત તાલુકામાં આવેલા પ્રખ્યાત યશવાડી મારુતિ મંદિર પરિસરમાં શનિવારે એક મોટી દુર્ઘટના બની છે. મંદિરની સામે આવેલો સભા મંડપ અચાનક ધરાશાયી થઈ જતાં પરિસરમાં અફરાતફરી મચી ગઈ છે. ઘટનાના સમયે મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર હોવાથી અનેક લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા છે.
અનેક શ્રદ્ધાળુઓને ઈજાઓ પહોંચી
મળતી માહિતી મુજબ ધરાશાયી થયેલા મંડપના કાટમાળ નીચે અંદાજે 30થી 40 લોકો ફસાયેલા હોય શકે છે. અકસ્માતમાં અનેક શ્રદ્ધાળુઓને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. કેટલીક વ્યક્તિઓના મોત થયાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે મૃત્યુઆંક અને ઈજાગ્રસ્તોની સંખ્યા અંગે પ્રશાસન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી
ઘટનાની જાણ થતાં જ જિલ્લા પ્રશાસન, પોલીસ તેમજ રાહત અને બચાવ દળ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા. હાલમાં બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. કાટમાળમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે એમ્બ્યુલન્સ અને આરોગ્ય ટીમોને પણ સ્થળ પર તૈનાત કરવામાં આવી છે.