છેલ્લા બે દિવસમાં મધ્ય, પશ્ચિમ અને પૂર્વ ભારતના મોટા ભાગોમાં પહોંચેલું દક્ષિણપશ્ચિમ ચોમાસું આગામી બે થી ત્રણ દિવસમાં દિલ્હી, હરિયાણા અને પંજાબના કેટલાક ભાગોમાં પ્રવેશ કરી શકે છે. 20 જૂનથી 25 જૂન દરમિયાન હરિયાણા, પંજાબ, ચંદીગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ સહિત ઉત્તરપશ્ચિમ ભારતના મોટા ભાગોમાં વરસાદ પડવાની સંભાવના IMDએ વ્યક્ત કરી છે.


ચોમાસું 30 જૂનની સામાન્ય તારીખ પહેલાં 22 જૂન સુધીમાં દિલ્હી પહોંચી શકે છે

IMDએ અનુમાન લગાવ્યુ છે કે ચોમાસું 30 જૂનની સામાન્ય તારીખ પહેલાં 22 જૂન સુધીમાં દિલ્હી પહોંચી શકે છે. IMD અનુસાર, દેશના બાકીના ભાગોમાં પણ આગામી અઠવાડિયામાં સામાન્ય તારીખ પહેલાં ચોમાસાનો વરસાદ થવાની સંભાવના છે.

જૂનની શરૂઆતથી વરસાદના અભાવે, તાપમાનમાં તીવ્ર વધારો થયો હતો, જેના કારણે 8-9 જૂન દરમિયાન ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતના મોટા ભાગોમાં લોકોને ગરમીનો સામનો કરવો પડ્યો હતો.

ચોમાસુ ખુબ ઝડપથી આગળ વધ્યુ

IMD અનુસાર, પશ્ચિમ બંગાળ અને ગુજરાત પર ઓછા દબાણવાળા ક્ષેત્રની રચનાને કારણે 16 જૂનથી 18 જૂન સુધી ચોમાસામાં ઝડપથી પ્રગતિ થઈ. ચોમાસું સામાન્ય રીતે 1 જૂન સુધીમાં કેરળમાં પ્રવેશ કરે છે,11 જૂન સુધીમાં મુંબઈ પહોંચે છે અને 8 જુલાઈ સુધી આ હવામાન પ્રણાલીને કારણે દેશભરમાં વરસાદ પડે છે.

સતત બીજા દિવસે હવા સ્વચ્છ રહી

દિલ્હીમાં સતત બીજા દિવસે હવા સ્વચ્છ રહી અને એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ૮૯ નોંધાયો, જે 'સંતોષકારક' શ્રેણીમાં આવે છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) ના ડેટા અનુસાર, બુધવારે દિલ્હીમાં આઠ મહિનામાં સૌથી સ્વચ્છ હવા નોંધાઈ.

ઝારખંડમાં ભારે વરસાદ બાદ નદીઓ ગાંડીતૂર, ખૂંટીમાં બનાઇ નદી પરનો પૂલ તૂટયો

રાંચી ઝારખંડમાં ચોમાસાની જોરદાર શરુઆત થઇ છે. વરસાદે અહીં કાળો કહેર મચાવ્યો છે. મૂશળધાર વરસાદ થવાને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ખૂંટી જિલ્લાના ટોરપામાં બનાઇ નદી પરના પુલનો એક હિસ્સો વરસાદને કારણે તૂટી ગયો હતો જેના કારણે પુલ પરથી પસાર થઇ રહેલી ટ્રક વચ્ચે ફસાઇ ગઇ હતી. આ દુર્ઘટનાને કારણે ખૂંટી-સિમડેગા રોડ અવરોધાઇ ગયો હતો અને લોકોને આવન-જાવનમાં ભારે અગવડતાનો સામનો કરવાની નોબત આવી હતી.

  • Follow us on: