કેન્દ્રના ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે શનિવારે દેશમાં વધી રહેલા જનસાંખ્યિકી પરિવર્તન (Demographic Change)ના મુદ્દે મહત્વપૂર્ણ બેઠક યોજી. બેઠક દરમિયાન તેમણે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું અને સમિતિને વિસ્તૃત અભ્યાસ કરવા સૂચના આપી. સરકાર દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, સમિતિ સરહદી જિલ્લાઓમાં વસ્તીના માળખામાં થઈ રહેલા ફેરફારોનો અભ્યાસ કરશે.


ગૃહમંત્રીએ ખાસ કરીને ગેરકાયદે ઘૂસણખોરી, અનિયમિત સ્થળાંતર અને અન્ય અસ્વાભાવિક કારણોસર થતા વસ્તી પરિવર્તનનું મૂલ્યાંકન કરવા જણાવ્યું છે. આ માટે સમિતિને સરહદી વિસ્તારો ઉપરાંત મોટા શહેરો અને ઔદ્યોગિક નગરોની મુલાકાત લેવાની રહેશે.

દેશની સુરક્ષા સાથે જોડાયેલો મુદ્દો

અમિત શાહે જણાવ્યું કે જનસાંખ્યિકી પરિવર્તન હવે માત્ર સરહદી જિલ્લાઓ પૂરતું મર્યાદિત રહ્યું નથી, પરંતુ તેની અસર દેશના મોટા મહાનગરો અને ઔદ્યોગિક કેન્દ્રોમાં પણ જોવા મળી રહી છે. તેમણે આ મુદ્દાને દેશની સંપ્રભુતા, રાષ્ટ્રીય સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા તેમજ સામાજિક માળખા સાથે સીધો સંબંધ ધરાવતો સંવેદનશીલ વિષય ગણાવ્યો.

વડાપ્રધાનની જાહેરાત બાદ સમિતિની રચના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 15 ઓગસ્ટના રોજ આ સમિતિ બનાવવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ 26 મે, 2026ના રોજ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ પ્રકાશ પ્રભાકર નાવોલેકરના અધ્યક્ષપદ હેઠળ સમિતિની સત્તાવાર રચના કરવામાં આવી હતી. સમિતિમાં નિવૃત્ત IAS અધિકારી દુર્ગા શંકર મિશ્રા, પૂર્વ IPS અધિકારી બાલાજી શ્રીવાસ્તવ અને અર્થશાસ્ત્રી શમિકા રવિને સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા છે.

એક વર્ષમાં રિપોર્ટ સોંપશે

સમિતિને એક વર્ષની અંદર કેન્દ્ર સરકારને પોતાનો વિગતવાર રિપોર્ટ સોંપવાનો રહેશે. વિશેષ પરિસ્થિતિમાં આ સમયમર્યાદા 6 મહિના સુધી વધારી શકાય છે. ગૃહમંત્રીએ અધિકારીઓને સમિતિને તમામ વહીવટી અને લોજિસ્ટિક સહાયતા તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા પણ નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચો : Franceમાં PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થશે મહત્વપૂર્ણ મુલાકાત, વ્હાઈટ હાઉસે આપી જાણકારી



  • Follow us on: