તાલિબાનના સત્તામાં આવ્યા બાદ પહેલી વાર અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી ભારત પ્રવાસ પર નવી દિલ્હી પહોંચ્યા છે. આ યાત્રા અફઘાનિસ્તાનમાં અશરફ ગની સરકારના પતનના 4 વર્ષ બાદ ભારત અને તાલિબાન શાસન વચ્ચે ઉચ્ચ સ્તરીય સંપર્કનો મોટો સંકેત માનવામાં આવી રહ્યો છે.
UNSCએ તાલિબાનના દરેક મુખ્ય નેતાઓ વિરુદ્ધ પ્રતિબંધ લગાવ્યો
મુત્તાકીને ગયા મહિને નવી દિલ્હી આવવના હતા. પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા લગાવવામાં આવેલા યાત્રા પ્રતિબંધને કારણે તેમનો આ પ્રવાસ રદ્દ કરી દેવામાં આવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સમિતિએ 30 સપ્ટેમ્બરે મુત્તાકીને અસ્થાયી છૂટ આપતા 9 થી 16 ઓક્ટોબર સુધી નવી દિલ્હી આવવાની અનુમતિ આપી હતી. UNSCએ તાલિબાનના દરેક મુખ્ય નેતાઓ વિરુદ્ધ પ્રતિબંધ લગાવ્યો છે અને તેમને વિદેશ પ્રવાસ માટે આ પ્રકારની છૂટ મેળવવી પડી છે. મુત્તાકીના આ પ્રવાસથી કાબુલમાં તાલિબાન શાસનની સાથે ભારતના સંબંધોને એક નવો મોડ મળવાની આશા છે.













