દેશમાં હવામાનના બદલાતા મિજાજ અને વધતી મોંઘવારીને લઈને એક ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, દેશમાં 'અલ નીનો' (El Nino) પ્રભાવ હવે સક્રિય થઈ ચૂક્યો છે અને સમગ્ર ચોમાસાની સીઝન દરમિયાન તે ચાલુ રહે તેવી પ્રબળ સંભાવના છે. તાજેતરમાં સામે આવેલા એક નવા સંશોધન અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે જૂનથી ઓગસ્ટ દરમિયાન અલ નીનોની અસર રહેવાની શક્યતા 80 ટકા છે, જ્યારે નવેમ્બર સુધી તે લંબાવવાની આશંકા 90 ટકાથી વધુ છે.


જો કે, રાહતની વાત એ છે કે હાલમાં દેશના જળાશયોમાં પાણીનું સ્તર સામાન્ય કરતાં સારું છે અને બજારોમાં શાકભાજીની આવક પણ સંતોષજનક છે. પરંતુ બેંક ઓફ બરોડા (BoB)ના રિપોર્ટ અનુસાર, આગામી દિવસોમાં ખાદ્યપદાર્થો અને ઇંધણના ભાવમાં થનારા ફેરફાર મોંઘવારીનું ચિત્ર સ્પષ્ટ કરશે.

મોંઘવારી દર 5.5 ટકા સુધી પહોંચવાનો અંદાજ

બેંક ઓફ બરોડાના અર્થશાસ્ત્રી દિપાનવિતા મજુમદારના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2027માં સીપીઆઈ (CPI) મોંઘવારી દર 5.2 ટકાથી 5.5 ટકાની વચ્ચે રહી શકે છે. આ અંદાજ અલ નીનોની અસર અને વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 90 થી 100 ડોલર પ્રતિ બેરલ રહેવાની ધારણા પર આધારિત છે. ઉલ્લેખનીય છે કે, મે 2026માં મોંઘવારી દર 3.9 ટકા રહ્યો હતો, જે એપ્રિલના 3.5 ટકા કરતાં વધુ હતો. આ વધારા પાછળ ખાદ્ય ચીજવસ્તુઓ અને મોંઘા ઇંધણ મુખ્ય કારણ હતા. હાલમાં ખાદ્ય મોંઘવારી દર વધીને 4.8 ટકા પર પહોંચી ગયો છે.

સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે સીધી અસર

રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાને કારણે ટ્રાન્સપોર્ટ અને માલગાડીઓનું ભાડું વધશે, જેનાથી આગામી દિવસોમાં શાકભાજી અને અનાજ વધુ મોંઘા થઈ શકે છે. ખાદ્ય અને ઇંધણ સિવાયની 'કોર ઇન્ફ્લેશન' પણ વધીને 3.9 ટકા થઈ ગઈ છે, જે દર્શાવે છે કે બજારમાં અંદરખાને કિંમતોનું દબાણ વધી રહ્યું છે. જો બજારમાં માગ સ્થિર રહેશે, તો કંપનીઓ કાચા માલના વધેલા ભાવનો બોજ ગ્રાહકો પર નાખશે, જેના કારણે સામાન્ય જનતાએ દરેક નાની-મોટી વસ્તુઓ માટે વધુ કિંમત ચૂકવવી પડી શકે છે. હવામાનની અનિશ્ચિતતા વચ્ચે આગામી થોડા મહિના દેશના અર્થતંત્ર અને સામાન્ય માણસના બજેટ માટે ખૂબ જ મહત્વના સાબિત થશે.

આ પણ વાંચો:Europe: શું આવશે હિમયુગ? પૃથ્વીના સમુદ્રી એન્જિનમાં આવતી ખામી માનવજાત માટે ખતરો!

  • Follow us on: