થોડા સમય પહેલા કોમેડિયન કપિલ શર્માના કાફે પર હુમલો થયો હોવાના સમાચાર સામે આવ્યા હતા. જોકે આ ઘટના થોડી શાંત થઈ તે પછી કપિલ શર્મા સાથે સંબંધિત બીજા એક સમાચાર સામે આવ્યા હતા કે કપિલ શર્માએ ધમકીઓ અને ખંડણીનો કેસ દાખલ કર્યો હતો. તપાસ બાદ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે. અહેવાલો મુજબ આરોપી પશ્ચિમ બંગાળનો રહેવાસી છે.


કોમેડિયનને ડરાવવા માટે વીડિયો પણ મોકલવામાં આવ્યા હતા

જાણીતા હાસ્ય કલાકાર કપિલ શર્માના કિસ્સામાં પોલીસે અહેવાલ આપ્યો હતો કે તેમને પૈસાની માગણી કરતા અનેક ધમકીભર્યા ફોન આવ્યા હતા. વધુમાં આરોપીઓ દ્વારા કોમેડિયનને ડરાવવા માટે વીડિયો પણ મોકલવામાં આવ્યા હતા. આ ઘટનાઓ 22 અને 23 સપ્ટેમ્બરના રોજ બની હતી અને આરોપીઓએ જાણીતા ગેંગસ્ટર રોહિત ગોદારા અને ગોલ્ડી બ્રારના નામે પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસ હજુ પણ તપાસ કરી રહી છે કે આરોપી ખરેખર ગેંગસ્ટરો સાથે જોડાયેલો છે કે નહીં.

1 કરોડ રૂપિયાની માગ

આ કેસમાં મળેલી માહિતી મુજબ આરોપી દિલીપ ચૌધરીએ 22 અને 23 સપ્ટેમ્બરના રોજ કપિલ શર્માને લગભગ 7 વખત ફોન કરીને ધમકી આપી હતી અને 1 કરોડની માગણી કરી હતી. તેણે કપિલ શર્માને માત્ર એક જ નંબરથી નહીં પણ બીજા નંબરથી પણ ધમકી આપી હતી. આરોપીની પશ્ચિમ બંગાળમાં ધરપકડ કરવામાં આવી હતી અને હવે તેને પૂછપરછ માટે મુંબઈ લાવવામાં આવી રહ્યો છે. તેને એસ્પ્લેનેડ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને 30 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

થોડા દિવસ પહેલા ગેંગસ્ટર રોહિત ગોદારા અને ગોલ્ડી બ્રારેનું નામ ચર્ચામાં હતું

તમને જણાવી દઈએ કે પોલીસને હજુ સુધી એ વાતનો પુરાવો મળ્યો નથી કે આરોપી દિલીપ માત્ર ડરાવવા અને ધમકાવવા માટે ગેંગસ્ટર્સનું નામ લઈ રહ્યો છે કે પછી તેનું કોઈ કનેક્શન છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ગેંગસ્ટર રોહિત ગોદારા અને ગોલ્ડી બ્રારનું નામ ચર્ચામાં હતું. બોલીવુડ અભિનેત્રી દિશા પટણીના બરેલી સ્થિત ઘર પર ફાયરિંગ થયું હતું, જેની જવાબદારી ગેંગસ્ટર રોહિત ગોદારા અને ગોલ્ડી બ્રારે લીધી હતી, ત્યારબાદથી બની શકે છે કે આ ગેંગસ્ટરના નામનો ઉપયોગ કરીને ખંડણી માગવામાં આવી રહી હોય.    

  • Follow us on: