દિલ્હી સરકારની નવી ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) પોલિસી હવે ઇલેક્ટ્રિક વાહનોને નવી ગતિ આપવા માટે તૈયાર છે.મુખ્યમંત્રી રેખા ગુપ્તાની અધ્યક્ષતામાં સોમવારે મળેલી દિલ્હી કેબિનેટની બેઠકમાં આ નવી EV પોલિસીને મંજૂરી આપવામાં આવી છે.સરકારનો દાવો છે કે આ પોલિસીથી ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળશે, પ્રદૂષણમાં ઘટાડો થશે અને રાજધાનીમાં સ્વચ્છ પરિવહન વ્યવસ્થા મજબૂત બનશે.દિલ્હી સરકારની આ નવી EV પોલિસી 1 જુલાઈ 2026થી અમલમાં આવવાની અપેક્ષા છે.સરકાર આ પોલિસી હેઠળ આગામી ચાર વર્ષમાં આશરે 15000 કરોડ રૂપિયા ખર્ચ કરવાની યોજના બનાવી રહી છે. તો જાણો દિલ્હી સરકારે આ પોલીસીમાં શું જાહેરાતો કરી છે
100% રજિસ્ટ્રેશન ટેક્સ માફ કરવામાં આવશે
સરકાર મોટા બજેટ દ્વારા ઇલેક્ટ્રિક વાહનોના વપરાશને વધારવા અને તેની સાથે જોડાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.આ ઉપરાંત પ્યોર ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર 100% રજિસ્ટ્રેશન ટેક્સ માફ કરવામાં આવશે.મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે,આ EV પોલિસી 1 જુલાઈ 2026થી 31 માર્ચ 2030 સુધી અમલમાં રહેશે.આ પોલિસી સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો પર કેન્દ્રિત છે.જેમાં આગામી 4 વર્ષમાં 7000 કરોડ રૂપિયા માત્ર ઇલેક્ટ્રિક વાહનો માટે અને અન્ય 8,000 કરોડ રૂપિયા EV ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા તથા સબસિડી સ્વરૂપે ખર્ચવામાં આવશે.

કુલ 15,000 કરોડ રૂપિયાનું બજેટ નિર્ધારિત
દિલ્હી સરકારના જણાવ્યા અનુસાર,એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દિલ્હીમાં વાહનો દ્વારા થતા પ્રદૂષણમાં અંદાજે 33% ફાળો કોમર્શિયલ વાહનોનો અને 46% ફાળો ટુ-વ્હીલર તથા થ્રી-વ્હીલરનો છે.દિલ્હીમાં જે કોમર્શિયલ ગુડ્સ વ્હીકલ છે તે N1 કેટેગરીના છે. જેને સાડા ત્રણ ટન સુધીના નાના ટ્રક ગણવામાં આવે છે.આ પોલિસીમાં આ ત્રણ કેટેગરી પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.જેથી જૂના વાહનોના કાફલાને EVમાં રૂપાંતરિત કરી શકાય.આ પોલિસીમાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર, N1 કેટેગરીના ટ્રક અને ગ્રામીણ સેવા વગેરે તમામ પ્રકારના વાહનોને આવરી લેવામાં આવ્યા છે.
હાઇબ્રિડ વાહનોને લાભ નહીં મળે
નવી પોલિસીમાં હાઇબ્રિડ વાહનો માટે કોઈ પણ પ્રકારની સબસિડી રાખવામાં આવી નથી. શરૂઆતના ડ્રાફ્ટમાં હાઇબ્રિડ વાહનો પર રોડ ટેક્સમાં છૂટ આપવાનો પ્રસ્તાવ હતો, પરંતુ અંતિમ મંજૂરીમાં તેને સામેલ કરવામાં આવ્યો નથી. દિલ્હી સરકારનું કહેવું છે કે રાજધાનીમાં વાયુ પ્રદૂષણનો મોટો હિસ્સો વાહનોના ધુમાડાને કારણે થાય છે.તેથી ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધારીને પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે.

1 એપ્રિલ 2028 પછી નવા પેટ્રોલ ટુ-વ્હીલરનું રજિસ્ટ્રેશન નહીં થાય
નવી EV પોલિસી મુજબ 1 એપ્રિલ 2028થી દિલ્હીમાં નવા પેટ્રોલ અને CNG ટુ-વ્હીલરનું રજિસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવશે.આ તારીખ પછી રાજધાનીમાં નવું બાઇક કે સ્કૂટર ખરીદનારાઓ માટે માત્ર ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરનો વિકલ્પ જ ઉપલબ્ધ હશે.આ નિયમ માત્ર નવા વાહનોના રજિસ્ટ્રેશન માટે છે; જે લોકો પાસે જૂના વાહનો છે, તેઓ તેનો ઉપયોગ ચાલુ રાખી શકશે. સરકારે હાલના વાહનોને ફરજિયાત બંધ કરવા કે સ્ક્રેપ કરવા અંગે કોઈ જાહેરાત કરી નથી.નવી EV પોલિસીને લઈને સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું અત્યારના પેટ્રોલ બાઇક અને સ્કૂટર બંધ થઈ જશે? તો જવાબ છે ના.સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય માત્ર નવા વાહનોના રજિસ્ટ્રેશન પર લાગુ થશે.જે લોકો પાસે પહેલેથી જ પેટ્રોલ કે CNG ટુ-વ્હીલર છે તેઓ તેને પહેલાની જેમ જ ચલાવી શકશે.તેથી, હાલના વાહન માલિકોએ ચિંતા કરવાની જરૂર નથી.

સ્ક્રેપિંગ ઇન્સેન્ટિવની પણ યોજના
સરકારે આ EV પોલિસીમાં જૂના અને ભંગાર થઈ ગયેલા વાહનો માટે સ્ક્રેપિંગ ઇન્સેન્ટિવની પણ જાહેરાત કરી છે.સરકારનું કહેવું છે કે BS4 કે તેનાથી નીચેના ઉત્સર્જન ધોરણો ધરાવતા જૂના ટુ-વ્હીલરને સ્ક્રેપમાં મોકલવા પર વાહન માલિકને 10,000 રૂપિયા સુધીની પ્રોત્સાહન રકમ આપવામાં આવશે.આ ઉપરાંત જૂના ફોર-વ્હીલર પેસેન્જર વાહનો (BS4 કે નીચેના) માટે પ્રથમ 1 લાખ વાહનો પર 1 લાખ રૂપિયા સુધીનું પ્રોત્સાહન, થ્રી-વ્હીલર માટે 25,000 રૂપિયા, N1 કેટેગરીના ટ્રક માટે 50,000 રૂપિયા અને ગ્રામીણ સેવાના વાહનો માટે 15,000 રૂપિયાનું સ્ક્રેપિંગ ઇન્સેન્ટિવ આપવામાં આવશે.