બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન બાદ રાજકીય પરિસ્થિતિ અસ્થિર બની ગઈ છે. હાલ ત્યાં મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળ વચગાળાની સરકાર કાર્યરત છે. આ દરમિયાન ખાસ કરીને લઘુમતી સમુદાયો, ખાસ કરીને હિન્દુઓ સામે હિંસાના બનાવોમાં વધારો થયો હોવાનું અનેક રિપોર્ટ્સમાં સામે આવ્યું છે. આ જ કારણસર ભારત સરકારે બાંગ્લાદેશમાં કાર્યરત પોતાના રાજદ્વારીઓ અને અધિકારીઓના પરિવારજનોને ભારત પાછા ફરવાની સલાહ આપી છે. આ નિર્ણયને ‘સાવચેતીના પગલા’ તરીકે જોવામાં આવી રહ્યો છે. ભારતે બાંગ્લાદેશને હવે “બિન-પરિવાર પોસ્ટિંગ” જાહેર કર્યું છે, જેનો અર્થ એ થાય છે કે ભારતીય રાજદ્વારીઓ હવે ત્યાં પરિવાર સાથે નહીં રહી શકે.
ભારતીય દૂતાવાસ પર પણ હુમલાનો પ્રયાસ
વિદ્યાર્થી આંદોલન દરમિયાન બાંગ્લાદેશમાં ભારતીય દૂતાવાસને નિશાન બનાવવામાં આવ્યો હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા. ચિત્તાગોંગમાં થયેલા ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ સુરક્ષા ચિંતાઓ વધુ ઘેરી બની હતી. ઉગ્રવાદી અને કટ્ટરપંથી તત્વો તરફથી મળતી ધમકીઓએ ભારતને આ નિર્ણય લેવા મજબૂર કર્યું છે.
ચૂંટણી પહેલા વધતો ખતરો
બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. ચૂંટણી પહેલા હંમેશા રાજકીય તણાવ અને હિંસા વધતી હોય છે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશમાં રહેતા ભારતીય નાગરિકો અને રાજદ્વારીઓ પર હુમલાનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
લઘુમતીઓ પર હુમલાઓ અંગે ચિંતા
બાંગ્લાદેશ હિન્દુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદના જણાવ્યા મુજબ, ડિસેમ્બરથી અત્યાર સુધી હિન્દુ સમુદાયના લગભગ 7 લોકોની હત્યા થઈ ચૂકી છે. વચગાળાની સરકાર દ્વારા રજૂ કરાયેલા પોલીસ રેકોર્ડ અનુસાર, લઘુમતી સમુદાય સાથે જોડાયેલા 645 બનાવો નોંધાયા હતા, જેમાંથી 71 બનાવોમાં સાંપ્રદાયિક હિંસા હોવાનું માનવામાં આવ્યું છે.
‘બિન-પરિવાર પોસ્ટિંગ’ શું છે?
બિન-પરિવાર પોસ્ટિંગ એ સૌથી કડક સુરક્ષા વ્યવસ્થાઓમાંની એક છે. આ હેઠળ અધિકારીઓ તેમના જીવનસાથી કે બાળકોને સાથે રાખી શકતા નથી. નોંધનીય છે કે પાકિસ્તાનમાં પણ ભારતે સમાન પ્રકારની સુરક્ષા વ્યવસ્થા અપનાવી છે, પરંતુ બાંગ્લાદેશ માટે લેવાયેલો નિર્ણય વધુ કડક માનવામાં આવી રહ્યો છે.
ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં તણાવ
ભારતે આરોપ લગાવ્યો છે કે બાંગ્લાદેશની વચગાળાની સરકાર લઘુમતીઓના રક્ષણમાં નિષ્ફળ રહી છે અને કટ્ટરપંથી તત્વો માટે નરમ વલણ અપનાવી રહી છે. ઓગસ્ટ 2024 પછીથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ વધ્યો છે, જોકે ભારતીય હાઇ કમિશન અને ચિત્તાગોંગ, ખુલના, રાજશાહી અને સિલહટ સ્થિત ચાર સહાયક મિશન સંપૂર્ણ રીતે કાર્યરત રહેશે. આગામી ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) મુખ્ય દાવેદાર માનવામાં આવે છે. ભારતને આશા છે કે નવી સરકાર બન્યા બાદ બંને દેશોના સંબંધોમાં ફરી સુધારો આવી શકે.
આ પણ વાંચો : શું America ભારત પર 500% ટેરિફ લાદશે? રશિયન તેલ મુદ્દે મોટો ખુલાસો