અત્યારે દેશના અનેક વિસ્તારોમાં રખડતા શ્વાનાના કરડવાના અને હુમલાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. આવી ઘટનાઓને કારણે લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે અને માતા-પિતાઓ પોતાના બાળકોની સુરક્ષા અંગે ગંભીર ચિંતા અનુભવી રહ્યા છે. ખાસ કરીને રહેણાંક વિસ્તારો અને ગામોમાં રખડતા શ્વાનાની વધતી સંખ્યા લોકો માટે મોટો ખતરો બની રહી છે.
ફરી એકવાર ઘટના સામે આવી
આ વચ્ચે ફરી એકવાર ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાના દિલારી પોલીસ સ્ટેશન વિસ્તારના કાઝીપુરા ગામમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં ઘરની બહાર અન્ય બાળકો સાથે રમતી એક ચાર વર્ષની માસૂમ બાળકી પર રખડતા શ્વાનાના ટોળાએ અચાનક હુમલો કર્યો. શ્વાનાઓએ બાળકી પર ઝપટો મારી તેને દાંતમાં પકડી દૂર ખેંચી લઈ ગયા. આસપાસ રમતા અન્ય બાળકો ડરીને ત્યાંથી ભાગી ગયા, પરંતુ નાની ઉંમરની બાળકી પોતાનો બચાવ કરી શકી નહીં.
મૃતક બાળકીની માહિતી
મૃતક બાળકીનું નામ નુસરત હતું. તે નૌશાદ નામના વ્યક્તિની સૌથી નાની પુત્રી હતી. નૌશાદને કુલ ચાર સંતાન છે, જેમાં એક પુત્ર અને ત્રણ પુત્રીઓનો સમાવેશ થાય છે. સોમવાર સાંજે આશરે 6 વાગ્યાના સમયે નુસરત પાડોશી બાળકો સાથે રમવા માટે ઘરની બહાર નીકળી હતી. શરૂઆતમાં કોઈને પણ કંઈ અસામાન્ય લાગ્યું નહોતું.
કૂતરાઓના એક ટોળાએ બાળકો પર હુમલો
રમત દરમિયાન અચાનક રખડતા કૂતરાઓના એક ટોળાએ બાળકો પર હુમલો કર્યો. અન્ય બાળકો ડરીને ત્યાંથી ભાગી ગયા, પરંતુ બાળકી બચી શકી નહીં. કૂતરાઓએ તેને દાંતમાં પકડી નજીક આવેલા તળાવ તરફ ખેંચી લીધી. ત્યાં લાંબા સમય સુધી તેને કરડતા અને ખંજવાળતા રહ્યા. બાળકી મદદ માટે રડતી રહી, બચવાનો પ્રયાસ કરતી રહી, પરંતુ તેની નાની ઉંમર અને કૂતરાઓની સંખ્યા સામે તે બેભાન થઈ ગઈ.
તળાવ પાસેનું દ્રશ્ય સૌ કોઇના ઉડ્યા હોશ
જ્યારે સૂર્યાસ્ત પછી પણ બાળકી ઘરે પરત ન ફરી, ત્યારે પરિવારને ચિંતા થવા લાગી. પરિવારજનો અને ગામલોકોએ તેને શોધવાનું શરૂ કર્યું. શોધ દરમિયાન તળાવ પાસેનું દ્રશ્ય જોઈને સૌ કોઈના હોશ ઉડી ગયા. ત્યાં રખડતા કૂતરાઓ બાળકીના મૃતદેહને વળગી રહ્યા હતા. લોકો દોડી આવ્યા અને કૂતરાઓને ભગાડ્યા, પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું. તપાસ કરતાં જાણવા મળ્યું કે બાળકીનું મૃત્યુ કૂતરાઓના હુમલાના કારણે થયું હતું.
ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે
ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તરત ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, ભારે દુઃખ અને આઘાતમાં આવેલા પરિવારજનોએ પોસ્ટમોર્ટમ કરાવવાનો ઇનકાર કર્યો. પરિવારના ઇનકાર બાદ, મંગળવારે બાળકીના મૃતદેહને દફનાવવામાં આવ્યો. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ છે. ગામલોકોમાં રખડતા કૂતરાઓ અંગે ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે અને પ્રશાસન સામે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.
રખડતા કૂતરાઓની સંખ્યા વધી
સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે વિસ્તારમાં રખડતા કૂતરાઓની સંખ્યા લાંબા સમયથી વધી રહી છે, પરંતુ કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. આ ઘટના બાદ લોકો માંગ કરી રહ્યા છે કે પ્રશાસન તાત્કાલિક પગલાં ભરે, જેથી ભવિષ્યમાં કોઈ બીજી માસૂમ જિંદગી આ રીતે ન ખોવાય.
આ પણ વાંચો : Akshay Kumarના કાફલાની કારને મર્સિડીઝે મારી હતી ટક્કર, ડ્રાઈવર સામે કેસ