ઉત્તરાયણ પર્વ દરમિયાન રાજ્યભરમાં ઇમરજન્સી સેવાઓ મોડી રાત સુધી રાજ્યના રસ્તાઓ પર દોડી રહી હતી. પતંગોત્સવની ઉજવણી વચ્ચે ઉતરાયણની રાત્રે 9 વાગ્યા સુધીમાં રાજ્યમાં કુલ 5 હજારથી વધુ ઇમરજન્સી કેસ નોંધાયા છે.


આ વર્ષે 734 કેસનો વધારો નોંધાયો

ગયા વર્ષે ઉત્તરાયણ દરમિયાન કુલ 4266 ઇમરજન્સી કેસ નોંધાયા હતા, જ્યારે આ વર્ષે તેમાં 734 કેસનો વધારો નોંધાયો છે. આ આંકડાઓ ઉત્તરાયણ દરમિયાન વધતા અકસ્માતો અને ઇજાઓની ગંભીરતા દર્શાવે છે.

 ત્રણ લોકોના ગળા કપાતા કમકમાટીભર્યા મોત

ઉત્તરાયણ પર્વ ચાલી રહ્યો છે અને લોકો ઘરના ધાબા તેમજ બિલ્ડિંગોની છત પર ચડી પતંગબાજીની મોજ માણી રહ્યા છે. જોકે આ મજા કેટલાક લોકો માટે મોતની સજા સાબિત થઈ રહી છે. રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ બનેલી દુર્ઘટનાઓમાં વાહનચાલકો અને વાહનમાં આગળ બેસેલા એક બાળક સહિત કુલ ત્રણ લોકોના ગળા કપાતા કમકમાટીભર્યા મોત થયા છે.

પતંગ પકડવાની લહાયમાં એક બાળક સહિત બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો

આ ઉપરાંત પતંગ પકડવાની લહાયમાં એક બાળક સહિત બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અરવલ્લીના બાયડ પાસેના ચોઇલા ગામમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કારણે એક યુવકનું ગળું કપાઈ જતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેવી જ રીતે ભરૂચના જંબુસરમાં બાઈકસવાર યુવકનું ગળું કપાતા તેનું પણ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

વડોદરામાં 10 વર્ષના બાળક અને એક યુવકના મોત

વડોદરામાં પણ પતંગ પકડવાની લહાયમાં 10 વર્ષના બાળક અને એક યુવકના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સતત બની રહેલી આવી ઘટનાઓને લઈ પ્રશાસન અને પોલીસ દ્વારા લોકોને સાવચેતી રાખવા તેમજ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો----   મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મતદાન શરુ, અક્ષય કુમારે કહ્યું, ડાયલોગબાજી બંધ કરીને મતદાન કરવા બહાર નિકળો

  • Follow us on: