હાલ રાજ્યમાં ખેડૂત કે સામાન્ય જનતા દરેકના મનમાં એક જ સવાલ છે, ચોમાસું ક્યારે બેસશે? વરસાદ ક્યારે થશે? રાજ્યમાં સામાન્ય રીતે જૂન 15 સુધીમાં ચોમાસુ બેસી જતુ હોય છે. જોકે, ચાલુ વર્ષે પરિસ્થિતિમાં પરિવર્તન જોવા મળ્યું છે. આ વર્ષે જૂનના 15 દિવસ વીત્યા બાદ પણ વરસાદ ન પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હાલ વરસાદ ખેંચાતા લોકોને કાળઝાળ ગરમી સહન કરવી પડી રહી છે. આ સાથે સાથે ખેડૂતોને દુષ્કાળનો ભય પણ સતાવી રહ્યો છે. 


આ પરિસ્થિતિ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના અન્ય ભાગોમાં પણ દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું નોંધપાત્ર રીતે ધીમું પડી ગયું છે. 15 જૂનની સેટેલાઇટ ઈમેજ સ્પષ્ટ કરે છે કે, દેશના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે ચોમાસાના વાદળો ગાયબ છે.

16 રાજ્યોમાં વરસાદની લાંબી રાહ

દક્ષિણ ભારતમાં આગળ વધ્યા પછી મોન્સૂન સિસ્ટમ મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશની આસપાસ આવીને અટકી ગઈ છે. બીજી તરફ, ઉત્તરપૂર્વના રાજ્યોને આવરી લીધા બાદ ચોમાસું બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં પણ આગળ વધી શક્યું નથી. હવામાન વિભાગના આંકડા મુજબ, 4 જૂનથી 15 જૂન દરમિયાન દેશમાં સામાન્ય 53.7 મિલિમીટરની સરખામણીએ માત્ર 19.2 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સીધી 64 ટકા વરસાદની ખાધ દર્શાવે છે. સર્જાયેલી નબળી પ્રવૃત્તિને લીધે ગુજરાત સાથે સાથે અન્ય રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હી  અને છત્તીસગઢ સહિત 16 રાજ્યોમાં વરસાદની રાહ વધુ લાંબા સમય સુધી જોવી પડી શકે છે.

ઉપરના વાતાવરણમાં પવનોની અસામાન્ય પેટર્ન

હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ચોમાસું નબળું પડવાનું કારણ સમુદ્રમાં ભેજનો અભાવ નથી. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં પૂરતો ભેજ હોવા છતાં વાદળો બંધાતા નથી, કારણ કે ઉપરના વાતાવરણમાં પવનોની અસામાન્ય પેટર્ન સર્જાઈ છે. આ વર્ષે પશ્ચિમી જેટ સ્ટ્રીમ સામાન્ય કરતાં વધુ દક્ષિણ તરફ વળી ગયો છે, જે ચોમાસાને આગળ ધપાવતા પવનોને રોકી રહ્યો છે. આગામી દિવસોમાં પરિસ્થિતિ સુધરે તેવી આશા રાખવામાં આવી રહી છે.

'સુપર અલ નીનો'નું મોટું જોખમ

આ તમામ કુદરતી પડકારો પાછળ 'અલ નીનો' જવાબદાર માનવામાં આવે છે, અને આ વખતે તો ચોમાસા પર 'સુપર અલ નીનો'નું જોખમ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા ચાલુ વર્ષે લાંબા સમયની સરેરાશ ઘટાડીને 870 મિલિમીટર વરસાદનું પૂર્વાનુમાન કર્યું છે. પેસિફિક મહાસાગરની સપાટી અસામાન્ય ગરમ થવાની આ પ્રક્રિયા (અલ નીનો) જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે તેની ટોચ પર હશે, જે મુખ્ય ચોમાસાનો સમયગાળો છે. આ સ્થિતિ જો લાંબી ખેંચાશે, તો કૃષિ ઉત્પાદન ઘટશે, જેનાથી દેશના સમગ્ર અર્થતંત્ર પર માઠી અસર પડી શકે છે.

કેન્દ્રના નવા નિર્દેશોએ ચિંતા વધારી

કેન્દ્ર સરકારના નવા નિર્દેશો મુજબ, દેશના કેટલાક ભાગોમાં પાણી મોડું આવશે, જેના કારણે ઉત્તર અને મધ્ય ભારતના વરસાદ આધારિત વિસ્તારોમાં ચિંતા વધી છે. ઇતિહાસ પર નજર કરીએ તો, વર્ષ 2002માં મજબૂત અલ નીનોને કારણે ગંભીર દુકાળ પડ્યો હતો, જ્યારે 2009માં નબળું મોન્સૂન રહ્યું હતું. વૈજ્ઞાનિકોના મત અનુસાર, વૈશ્વિક ક્લાઇમેટ ચેન્જના કારણે આગામી વર્ષોમાં અલ નીનોની તીવ્રતા હજુ વધશે, તેથી અત્યારથી જ જળ વ્યવસ્થાપન અને કૃષિ આયોજન પર વિશેષ ધ્યાન આપવું અનિવાર્ય બન્યું છે.


આ પણ વાંચો - Weather Update: આગામી 2 દિવસ આ શહેરોમાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી


  • Follow us on: