ગુજરાતભરમાં હાલ કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટથી જનજીવન ત્રાહિમામ પોકારી ગયું છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યના નાગરિકો માટે રાહતના મિશ્ર સમાચાર આપ્યા છે. રાજ્યમાં એક તરફ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, તો બીજી તરફ આ ભીષણ ગરમી વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં કમોસમી વરસાદની ઘાત તોળાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બે દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ થવાની પ્રબળ શક્યતા છે.


સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં વરસાદી માહોલ

આજે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં વરસાદી માહોલ જામશે. આ ઉપરાંત નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે, જેને પગલે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં બફારો વધુ આકરો બનશે.

 મહત્તમ તાપમાન 39 થી 41 ડિગ્રી તાપમાન

બીજી તરફ, રાજ્યમાં ગરમી અને ઉકળાટથી તાત્કાલિક કોઈ મોટી રાહત મળે તેમ નથી. હાલમાં મહત્તમ તાપમાન 39 થી 41 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે. આંકડાઓ પર નજર કરીએ તો, ભાવનગરમાં સૌથી વધુ ૪૧.૪ ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં ૪૦.૬ ડિગ્રી અને અમરેલીમાં પારો ૪૦ ડિગ્રીએ પહોંચ્યો છે. રાજકોટમાં ૩૯.૭ ડિગ્રી, ગાંધીનગરમાં ૩૯.૧ ડિગ્રી, વડોદરામાં ૩૮.૬ ડિગ્રી અને સુરતમાં ૩૫.૨ ડિગ્રી તાપમાન રેકોર્ડ થયું છે. આગામી બે દિવસ આ ગરમીની સાથે કમોસમી વરસાદી માહોલના કારણે ડબલ ઋતુનો અહેસાસ થશે, જેની સીધી અસર જનજીવન અને સ્વાસ્થ્ય પર પડી શકે છે.


આ પણ વાંચો---   Sandesh Explainer : ભક્તોની આસ્થા અને કાયદા વચ્ચે કાનૂની જંગ, શું હવે ભગવાન પર પણ લાગશે કૉપીરાઇટ? જાણો ટ્રેડમાર્કનું અસલી સત્ય

  • Follow us on: