અલ નીનોની સંભાવના અને નબળા/અનિશ્ચિત ચોમાસાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ખરીફ સીઝનની તૈયારીઓ તેજ કરી છે. આ અંગે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તેમજ ગ્રામિણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યના કૃષિ મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, જિલ્લા કલેક્ટરો, ICAR, CRIDA અને ભારતીય હવામાન વિભાગ (IMD)ના નિષ્ણાતો સાથે ઉચ્ચસ્તરીય વર્ચ્યુઅલ બેઠક કરીને સમગ્ર દેશની પરિસ્થિતિની સમીક્ષા કરી.
અત્યાર સુધી લગભગ 43 ટકા ઓછો વરસાદ નોંધાયો
બેઠક બાદ પત્રકાર પરિષદમાં શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે આ વર્ષે ચોમાસુ સામાન્ય કરતાં મોડું ચાલી રહ્યું છે અને અત્યાર સુધી લગભગ 43 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 2 જુલાઈ સુધીના અઠવાડિયામાં પણ વરસાદ નબળો રહેવાની શક્યતા છે, જેના કારણે ખરીફ પાકોને અસર થઈ શકે છે, ખાસ કરીને તે વિસ્તારોમાં જ્યાં ખેતી સંપૂર્ણ રીતે વરસાદ પર નિર્ભર છે.
ખેડૂતોને ઓછા પાણીવાળા પાકો વાવવા સલાહ
તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકાર અગાઉથી જ વૈજ્ઞાનિક આયોજન અને તૈયારીમાં લાગી ગઈ છે, જેથી ખેડૂતોને ઓછામાં ઓછું નુકસાન થાય અને તેમની આજીવિકા સુરક્ષિત રહે. કૃષિ મંત્રાલય અને ICAR દ્વારા વૈજ્ઞાનિક ડેટાના આધારે કુલ 315 જિલ્લાઓને સંભવિત અસરગ્રસ્ત તરીકે ઓળખવામાં આવ્યા છે. તેમાં 111 જિલ્લાઓને ઉચ્ચ પ્રાથમિકતા હેઠળ રાખવામાં આવ્યા છે જ્યાં સિંચાઈનો વિસ્તાર 25 ટકા કરતાં ઓછો છે. 76 જિલ્લાઓ મધ્યમ પ્રાથમિકતા હેઠળ છે, જ્યારે 128 જિલ્લાઓમાં ડેમ અને અન્ય સાધનોને કારણે તુલનાત્મક રીતે સારી સિંચાઈ ઉપલબ્ધ છે.
આ રાજ્યમાં અસર દેખાશે
આ જિલ્લાઓ મુખ્યત્વે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, બિહાર, ઝારખંડ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં આવેલા છે. બેઠક દરમિયાન તમામ રાજ્યના કૃષિ મંત્રીઓ અને જિલ્લા પ્રશાસન સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી અને સ્થાનિક સ્તરે તૈયારીઓ ઝડપી બનાવવા સૂચના આપવામાં આવી.
આ પણ વાંચો : West Bengal News: બંગાળની સરકારી શાળાઓમાં Mid Day Mealનું સંચાલન કરશે ISKCON, બાળકોને મળશે શુદ્ધ-પૌષ્ટિક ખોરાક