જોધપુરના અરના ઝરનાની પાસે મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. એક ટ્રક અને ગુજરાત પાસિંગ બસ આમને-સામને જોરદાર રીતે ટકરાઈ છે. જેમાં 4 લોકોના મોત થયા હોવાની જાણકારી મળી રહી છે. આ દુર્ઘટનામાં 15થી વધુ લોકો ઘાયલ થયા હોવાની જાણકારી પણ મળી રહી છે. અકસ્માત બાદ ઘટનાસ્થળ પર ભારે અફરાતફરી મચી ગઈ છે અને લોકો બુમાબુમ કરી રહ્યા છે. આસપાસમાં હાજર રહેલા લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી અને ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બસમાં સવાર તમામ લોકો રામદેવરા બાબાના દર્શન કરવા ગયા હતા
મળતી માહિતી મુજબ અકસ્માતમાં ઘાયલ થયેલા મુસાફરોને મથુરાદાસ માથુર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં ઘાયલ થયેલા લોકોની હાલમાં સારવાર ચાલી રહી છે. હોસ્પિટલના ઉચ્ચ અધિકારી પણ ટ્રોમા ઈમરજન્સીમાં હાજર છે અને સ્થિતિનું મોનિટરિંગ કરી રહ્યા છે. પોલીસ અને ડોક્ટરોની ટીમ પણ હાજર છે. મળતી માહિતી મુજબ બસ રામદેવરાથી ગુજરાત આવી રહી હતી. બસમાં સવાર તમામ લોકો રામદેવરા બાબાના દર્શન કરવા ગયા હતા. હાલમાં ઘાયલ થયેલા લોકોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.













