અમદાવાદની ધરતી પરથી વૈશ્વિક રમત જગતમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. શહેરના એકા એરેના ટ્રાન્સસ્ટેડિયા ખાતે પ્રથમ વખત વર્લ્ડ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન સાથે થયો.



અમદાવાદ એક ઐતિહાસિક હેરિટેજ સિટી: PM

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં તમામ સ્પર્ધકોનું સ્વાગત કરતા જણાવ્યું કે અમદાવાદ એક ઐતિહાસિક હેરિટેજ સિટી છે અને અહીં વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશીપનું આયોજન ગૌરવની વાત છે. તેમણે કહ્યું કે યોગાસનને એક સ્પર્ધાત્મક રમત તરીકે નવી ઓળખ મળી છે અને ભવિષ્યમાં તે આંતરરાષ્ટ્રીય રમત જગતમાં વધુ મહત્વનું સ્થાન પ્રાપ્ત કરશે. પીએમ મોદીએ યાદ અપાવ્યું કે એક દાયકાથી વધુ પહેલા ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને 190થી વધુ દેશોએ સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે યોગ માત્ર શરીરને રોગમુક્ત રાખવાનો માર્ગ નથી, પરંતુ ઓછા ખર્ચે સ્વસ્થ જીવનશૈલી માટેનું ઉત્તમ સાધન પણ છે.

4થી 8 જૂન દરમિયાન યોજાઈ રહી છે ચેમ્પિયનશીપ

આ ચેમ્પિયનશીપ 4થી 8 જૂન દરમિયાન યોજાઈ રહી છે, જેમાં લગભગ 70 દેશોના 500 જેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ ઇવેન્ટ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા યોજાઈ રહી છે, જે યોગ અને વેલનેસને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપશે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે યોગાસનના વિસ્તરણથી ખેલાડીઓ માટે નવી કારકિર્દી તકો ઉભી થશે, જેમાં કોચ, ઈવેન્ટ મેનેજમેન્ટ અને રિસર્ચ જેવા ક્ષેત્રો પણ સામેલ છે. તેમણે આશા વ્યક્ત કરી કે ભવિષ્યમાં યોગાસન કોમનવેલ્થ અને ઓલિમ્પિક જેવા મોટા સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં પણ સ્થાન મેળવશે. આ ચેમ્પિયનશીપને વૈશ્વિક યોગ આંદોલનનો મહત્વપૂર્ણ ભાગ ગણાવીને તેને અમદાવાદ માટે ગૌરવપૂર્ણ ક્ષણ તરીકે જોવામાં આવી રહી છે.

આ પમ વાંચો : Parliament Monsoon Session: સંસદના ચોમાસું સત્રમાં ડિલિમિટેશન બિલ લાવવાની તૈયારી, વિપક્ષી દળોના સંપર્કમાં કેન્દ્ર સરકાર



  • Follow us on: