મધ્ય રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે દિવાળી અને છઠ પૂજાના અવસર પર 1,702 ખાસ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે, જેથી લોકો સરળતાથી પોતાના ઘરે જઈ શકે, આરામદાયક મુસાફરી કરી શકે અને તેમના પરિવાર સાથે તહેવારોની ઉજવણી કરી શકે. મધ્ય રેલ્વેના સીપીઆરઓએ જણાવ્યું હતું કે, "મધ્ય રેલ્વે દિવાળી અને છઠ માટે સંપૂર્ણ તૈયારીઓ કરી રહ્યું છે. અમે 1,702 ખાસ ટ્રેનો ચલાવી રહ્યા છીએ, જેથી મુસાફરો સરળતાથી મુસાફરી કરી શકે.
આ ટ્રેનો છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, લોકમાન્ય તિલક ટર્મિનસ, પુણે, કોલ્હાપુર અને નાગપુરથી ઉપડશે. આમાંથી 800થી વધુ ટ્રેનો ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યો માટે હશે. ટ્રેનો દેશના અન્ય ભાગોમાં પણ દોડશે. તેમણે ઉમેર્યું કે મુસાફરોની સુવિધા માટે મુખ્ય સ્ટેશનો પર વધારાના ટિકિટ કાઉન્ટર સ્થાપિત કરવામાં આવ્યા છે.
મુસાફરો માટે નવો વેઈટિંગ એરિયા બનાવવામાં આવ્યો
સીપીઆરઓએ જણાવ્યું હતું કે મુસાફરોની સુવિધા અને સલામતી માટે મુખ્ય સ્ટેશનો પર 3,000થી વધુ મુસાફરોની ક્ષમતાવાળા વેઈટિંગ એરિયા બનાવવામાં આવ્યા છે, જે ખોરાક, પાણી, શૌચાલય અને પંખા જેવી સુવિધાઓથી સજ્જ છે. ટિકિટ બુકિંગ માટે મોબાઈલ યુટીએસ સેવા ઉપલબ્ધ છે અને લાંબી લાઈનો ટાળવા માટે વધારાના ટિકિટ કાઉન્ટર ખોલવામાં આવ્યા છે. શનિવારે, ભારતીય રેલ્વેએ પણ જાહેરાત કરી હતી કે સોશિયલ મીડિયા પર ગેરમાર્ગે દોરતા અથવા જૂના રેલ્વે સંબંધિત વીડિયોઝ શેર કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમની રચના કરવામાં આવી
રેલવેએ જણાવ્યું હતું કે કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ જૂના અથવા ગેરમાર્ગે દોરનારા વીડિયો ફેલાવી રહ્યા છે, જેના કારણે મુસાફરોમાં મૂંઝવણ ઊભી થઈ રહી છે. અત્યાર સુધીમાં આવા 20થી વધુ એકાઉન્ટ્સ ઓળખાઈ ગયા છે અને FIR દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રેલવેએ જણાવ્યું હતું કે આવી ખોટી પોસ્ટ્સ પર નજર રાખવા માટે 24 કલાક કાર્યરત સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમની રચના કરવામાં આવી છે.
ઉત્તર પશ્ચિમ રેલ્વેએ પણ ખાસ ટ્રેનો ચલાવી
આ ઉપરાંત ઉત્તર પશ્ચિમ રેલ્વેએ દિવાળી અને છઠ માટે પણ ખાસ વ્યવસ્થા કરી છે. અહીંથી મુંબઈ, પુણે, હાવડા અને બિહાર નજીકના વિસ્તારો માટે 44 જોડી ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. ઉત્તર પશ્ચિમ રેલ્વેના સીપીઆરઓએ જણાવ્યું હતું કે "દિવાળી અને છઠના તહેવાર માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં 44 જોડી ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. જરૂરિયાત મુજબ વધુ ટ્રેનો ઉમેરી શકાય છે. આ ઉપરાંત 60 નિયમિત ટ્રેનોમાં 174 વધારાના કોચ ઉમેરવામાં આવ્યા છે. પ્લેટફોર્મ પર ભીડ ઓછી કરવા માટે જયપુર જેવા મુખ્ય સ્ટેશનો પર વેઈટિંગ એરિયા બનાવવામાં આવ્યા છે."