દેશમાં ફરી પાછો ચોમાસાનો માહોલ જામ્યો છે. હવામાનની પેટર્ન બદલાતા દેશમાં અનેક રાજ્યોમાં ફરી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ 25 જુલાઈ પછી કેટલાક સ્થાનો પર મુશળધાર વરસાદનું જોર રહેશે. ભારે વરસાદના કારણે લોકોની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે.
વાવાઝોડા સાથે વરસાદનું જોર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં ડિપ્રેશન નબળું પડતા દેશમાં ફરી અનેક રાજ્યોમાં વરસાદનું જોર રહેશે. હવામાનમાં પલટો આવતા દેશના ઉત્તરીય ભાગથી લઈને દક્ષિણ સુધીમાં ફરી વરસાદ જોવા મળશે. જમ્મુ અને કાશ્મીર, દિલ્લી, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે પંજાબ અને હરિયાણામાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે બિહારમાં અનેક જિલ્લાઓમાં વાવાઝોડા સાથે ભારે વરસાદને લઈને ચેતવણી જારી કરવામાં આવી છે.
આ વિસ્તારોમાં મધ્યમ વરસાદનું જોર રહેશે
દિલ્હીમાં આજે સવારથી ધોધમાર વરસી રહ્યો છે. વરસાદના કારણે દિલ્હીવાસીઓને ગરમી અને ભેજમાંથી રાહત મળી. પરંતુ વરસાદી પાણી ભરાતા રસ્તાઓ પર ઘૂંટણિયે સુધી પાણી ભરાઈ જતા વાહનો ફસાઈ ગયા. ઉત્તર પ્રદેશમાં અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને કયાંક ગાજવીજ સાથે વરસાદનું જોર રહેશે. જયારે મહારાષ્ટ્રમાં મધ્યમ વરસાદ જોવા મળશે. મુંબઈમાં હળવા વરસાદની સંભાવના છે. અને આગામી દિવસોમાં IMDએ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.