ભારતના પાંચ સૌથી ખરાબ ટ્રેન અકસ્માતો જેનો પોતાનો દુ:ખદ ઇતિહાસ છે.

1. બિહાર રેલ અકસ્માત (1981)

6 જૂન, 1981ના રોજ બિહારમાં બનેલી ટ્રેન દુર્ઘટનાને ભારતીય ઇતિહાસની સૌથી ખરાબ રેલ દુર્ઘટના માનવામાં આવે છે. 800 થી વધુ મુસાફરોને લઈને ગીચ પેસેન્જર ટ્રેન વાવાઝોડાને કારણે પાટા પરથી ઉતરી ગઈ હતી. ત્યારે તે બાગમતી નદી પરના પુલને પાર કરી રહી હતી. ટ્રેનના સાત ડબ્બા નદીમાં પડી ગયા હતા. જેના કારણે અંદાજે 500 થી 600 લોકોના મૃત્યુ થયા હતા.

2. ફિરોઝાબાદ રેલ અકસ્માત (1995)

20 ઓગસ્ટ, 1995 ના રોજ, ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ નજીક મોટો અકસ્માત થયો હતો. જ્યારે પુરુષોત્તમ એક્સપ્રેસ સ્થિર કાલિંદી એક્સપ્રેસ સાથે અથડાઈ. આશરે 350 લોકોએ જીવ ગુમાવ્યા અને અનેક લોકો ઘાયલ થયા હતા. સિગ્નલ નિષ્ફળતા અને માનવીય ભૂલને કારણે આ અકસ્માત થયો હતો.

3. ગૈસલ ટ્રેન અકસ્માત (1999)

2 ઓગસ્ટ, 1999 ના રોજ, પશ્ચિમ બંગાળના ગૈસલ સ્ટેશન નજીક બ્રહ્મપુત્ર મેઇલ અને અવધ આસામ એક્સપ્રેસ વચ્ચે એક મોટી ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 285 થી વધુ લોકો માર્યા ગયા હતા અને 300 થી વધુ ઘાયલ થયા હતા. સિગ્નલિંગ સિસ્ટમમાં ખામીને કારણે આ અકસ્માત થયો હતો.

4. રાજધાની એક્સપ્રેસ અકસ્માત (2002)

સપ્ટેમ્બર 2002માં, કોલકાતાથી નવી દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસ બિહારના ઔરંગાબાદ જિલ્લામાં ધવે નદી પરના પુલને પાર કરી રહી હતી. ત્યારે તેને અકસ્માત નડ્યો હતો. ટ્રેનના અનેક ડબ્બા નદીમાં પડ્યા હતા. જેમાં ઓછામાં ઓછા 120 લોકો માર્યા ગયા હતા.

5. ઓડિશામાં બાલાસોર ટ્રેન અકસ્માત (2023)

2 જૂન, 2023ના રોજ ઓડિશાના બાલાસોર જિલ્લામાં થયેલા ટ્રેન અકસ્માતે સમગ્ર દેશને હચમચાવ્યુ હતુ. આ અકસ્માતમાં બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ, શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ અને એક માલગાડીનો સમાવેશ થતો હતો. કોરોમંડલ એક્સપ્રેસ એક સ્થિર માલગાડી સાથે અથડાઈ હતી. જેના કારણે તેના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને બીજી ટ્રેન સાથે અથડાયા હતા. આ અકસ્માતમાં 296થી વધુ લોકો માર્યા ગયા અને 1200થી વધુ ઘાયલ થયા હતા. 

  • Follow us on: