થોડા સમય પહેલા આખું વિશ્વ અમદાવાદ ખાતે થયેલ વિમાન દુર્ઘટનાનું સાક્ષી બન્યું હતું. આ એક એવી નિરાશાજનક ઘટના હતી કે જેણે આખા વિશ્વમાં હાહાકાર મચાવી દીધો હતો. જ્યારથી આ ઘટના બની છે ત્યારથી થોડા થોડા સમયે વિમાનમાં ટેકનિકલ ખામીઓ સર્જાવાની એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે.
ઇન્ડિગો ફ્લાઇટમાં સર્જાઇ ટેકનિકલ ખામી
મળતી માહિતી મુજબ દિલ્હીથી ગોવા જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ 6E 6271 પાયલોટની સજાગતાને લીધે ગંભીર અકસ્માતનો ભોગ બનતા બનતા બચી ગઈ હતી. દિલ્હીથી ગોવા જઈ રહેલ ઇન્ડિગોની ફ્લાઇટમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાવાને કારણે આ ફ્લાઈનું તાત્કાલિક ધોરણે મુંબઈમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. આ ફ્લાઇટમાં 191 મુસાફરો સવાર હતા. સદનસીબે પાયલોટની સજાગતના લીધે આ અકસ્માત થતાં થતાં રહી ગયો અને ફ્લાઇટનું મુંબઈ એરપોર્ટ ખાતે સફળ ઇમરજન્સી ઉતરાણ કરવામાં આવ્યું.
પાયલોટે આપ્યો 'PAN PAN PAN'નો મેસેજ
દિલ્હીથી ગોવા જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ 6E 6271માં જેવી પાયલોટને ખબર પડી કે ફ્લાઇટમાં કઈક ટેકનિકલ સમસ્યા થઈ છે એટલે તેણે જલ્દીથી 'PAN PAN PAN'નો ઇમરજન્સી કોલ એર ટ્રાફિક કંટ્રોલ એટલેકે ATCને આપ્યો હતો. જ્યારે દિલ્હીથી ગોવા ફ્લાઇટનું એક એન્જિન હવામાં ફેલ થઈ ગયું, ત્યારે પાયલોટ તરફથી 'PAN PAN PAN' સંદેશ આપવામાં આવ્યો હતો. આ કોલ એર ટ્રાફિક કંટ્રોલ એટલેકે ATCને જણાવે છે કે વિમાનમાં એક સમસ્યા છે જેનો પ્રાથમિકતા પર ઉકેલ લાવવાની જરૂર છે.
'PAN PAN PAN'નો અર્થ શું છે
આ એક ઇમરજન્સી કોલ છે જે સૂચવે છે કે હાલ ફ્લાઇટની પરિસ્થિતિ ગંભીર છે, પરંતુ હજુ સુધી ખુબજ ગંભીર પરિસ્થિતિ નથી. ઉદાહરણ તરીકે, બે એન્જિનવાળા વિમાનમાં, એક એન્જિન બંધ થઈ ગયું છે જ્યારે બીજું હજુ પણ કાર્યરત છે. 'PAN PAN PAN' કોલ એ સુનિશ્ચિત કરે છે કે ATC તાત્કાલિક ધ્યાન આપે, જેમ કે એરસ્પેસ ક્લિયર કરવું, લેન્ડિંગ માટે વિમાનને પ્રાથમિકતા આપવી અને કટોકટી સેવાઓ તૈયાર કરવી.