નક્સલમુક્ત અને ઉગ્રવાદમુક્ત ઝારખંડ બનાવવાની દિશામાં પોલીસ સતત કામ કરી રહી છે. ઝારખંડના વિવિધ ઉગ્રવાદ અને નક્સલવાદ ધરાવતા વિસ્તારમાં સર્ચ અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. જે અંતર્ગત ગુમલા જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલીઓ સાથે અથડામણ થયુ. જેમાં JMP કમાન્ડર સહિત 3 નક્સલી ઠાર મરાયા છે. તેઓ પાસેથી એકે 47 સહિત ભારે માત્રામાં હથિયાર પણ મળી આવ્યા છે.


મોટી માત્રામાં મળી આવ્યા હથિયાર 

જે નક્સલીઓ ઠાર મરાયા તેઓ પાસેથી એક AK-47, બે INSAS રાઈફલ, મોટી માત્રામાં ગોળીઓ અને અન્ય સામગ્રી જપ્ત કરી છે. આ અંગે ગુમલા જિલ્લાના એસપી હરીશ બિન જમાને ગુપ્ત માહિતી મળી હતી કે JJMPના સબ-ઝોનલ કમાન્ડર દિલીપ લોહારા તેમના સંગઠનની ટુકડી સાથે ગુમલા જિલ્લાના ઘાઘરા વિસ્તારના જંગલોમાં ફરતા હોય છે.

આ ગુપ્ત માહિતી મળતા જ જિલ્લાના ઘાઘરા, બિશનપુર અને ગુમલા પોલીસ સ્ટેશનની પોલીસ તેમજ ઝારખંડ જગુઆરના સૈનિકો દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન ઘાઘરા પોલીસ સ્ટેશન વિસ્તારના લાવા ડાગ જંગલમાં સુરક્ષા દળોની JJMPના નક્સલીઓ સાથે ભીષણ અથડામણ થઈ હતી. આ અથડામણ દરમિયાન સુરક્ષા દળોની ટીમે JJMPના સબ-ઝોનલ કમાન્ડર દિલીપ લોહારા સહિત ત્રણ નક્સલીઓને ઠાર માર્યા હતા.

10 દિવસ પહેલા પણ થઇ હતી અથડામણ

ઉલ્લેખનીય છે કે 10 દિવસ પહેલા જ 16 જુલાઈના રોજ ઝારખંડના બોકારોના ગોમિયાના જગેશ્વર વિહાર પોલીસ સ્ટેશન હેઠળ બિરહોર્ડેરાના જંગલમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે ભીષણ એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં કુખ્યાત નક્સલી કુંવર માંઝી સહિત બે નક્સલીઓ માર્યા ગયા હતા, જેની પર 5 લાખનું ઇનામ હતું. આ એન્કાઉન્ટર દરમિયાન CRPF કોબ્રા 209 બટાલિયનના સૈનિક પરણેશ્વર કોચ શહીદ થયા હતા.

  • Follow us on: