કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના પુત્ર અને મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ મહાઆર્યમન સિંધિયાને અકસ્માત નડ્યો છે. શિવપુરી પ્રવાસ દરમિયાન આ અકસ્માતનો શિકાર મહાઆર્યમન થયા છે. અચાનક બ્રેક લાગવાના કારણે તેને ઈજા પહોંચી છે.
અચાનક બ્રેક લાગતા વાગ્યો ઝટકો
મળતી માહિતી મુજબ મહાઆર્યમન પોતાની ગાડીના સનરૂફની બહાર નીકળીને જનતાનું અભિવાદન સ્વીકારી રહ્યા હતા, ત્યારે ચાલકે અચાનક બ્રેક લગાવી દીધી અને ઝટકો લાગવાના કારણે તેમની છાતી ગાડીના આગળના ભાગ સાથે ટકરાઈ. ઉલ્લેખનીય છે કે મહાઆર્યમન સિંધિયા બે દિવસના શિવપુરીના પ્રવાસે છે અને બીજા દિવસે સોમવારે કોલારસ વિધાનસભા વિસ્તારમાં આયોજિત યુવા સંમેલનમાં સામેલ થવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તે કોલેજ ગ્રાઉન્ડમાં આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટ જોવા પહોંચ્યા હતા. જ્યાં તે સમર્થકોનું અભિવાદન કરી રહ્યા હતા, આ દરમિયાન ડ્રાઈવરે અચાનક બ્રેક લગાવી દીધઈ અને તેમને ઈજા પહોંચી છે.













